[[$googlead]]
તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ચેન્નાઇ સહિત વિવિધ રાજ્યોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ચેન્નાઈ શહેરના કેટલાક ભાગોમાં આજે સવારે પણ હળવો વરસાદ ચાલુ છે. આ વરસાદને કારણે અનેક વિસ્તારો અને રસ્તાઓ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સામાન્ય લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો પરિણામે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ 2 ફૂટ સુધી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.

ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી
ઠેર ઠેર પાણી ભરાઇ જવાને કારણે ઘણા વિસ્તારોમાં બસ સેવાઓ પ્રભાવિત થઈ હતી. દક્ષિણ રેલવેએ પાણી ભરાવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત 4 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી હતી. તેમજ ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અને કેટલીકને ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહેલાં રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત પેસેન્જરો ન આવતાં ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી.

IMD એ આ જાણકારી આપી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા મંગળવારે સાંજે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. આ ડિપડિપ્રેશન 5:30 વાગ્યે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં, ચેન્નાઈથી લગભગ 490 કિમી પૂર્વમાં અને નેલ્લોરથી 590 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતી.

17 ઓક્ટોબર સુધી ભારે વરસાદ !
 17 ઓક્ટોબરની સવારે ડિપ્રેશન તરીકે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાને પુડુચેરી અને નેલ્લોર વચ્ચે પાર કરે તેવી શક્યતા છે તેમ હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, બુધવારે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને કેટલાક અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. 17 ઓક્ટોબર સુધી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા સહિત દક્ષિણ-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે તોફાની હવામાન ગુરુવાર પછી ધીમે ધીમે શમી જવાની ધારણા છે.
  • Follow us on: