જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાને લઇને પાકિસ્તાન કનેક્શન હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી
છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનમાં બેઠેલા TRF ચીફ શેખ સજ્જાદ ગુલના જૂથનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન કનેક્શન
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર સજ્જાદ ગુલના કહેવા પર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નું લોકલ મોડ્યુલ સક્રિય કરવામાં આવ્યું હતું, જેણે પહેલીવાર કાશ્મીરી અને બિન-કાશ્મીરી લોકોને એકસાથે નિશાન બનાવ્યા હતા. ટાર્ગેટ કિલિંગને અંજામ આપનારા આતંકવાદીઓની સંખ્યા બેથી ત્રણ હોવાનું કહેવાય છે. TRFના સ્થાનિક મોડ્યુલે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ હુમલા માટે આ મોડ્યુલે એક મહિના સુધી ઘટના સ્થળની તપાસ કરી હતી.

હુમલો ક્યાં અને કેવી રીતે થયો?
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં એક સ્થાનિક ડોક્ટર અને સુરંગ પર કામ કરતા 6 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકોમાંથી પાંચ બિન-સ્થાનિક હતા, જેમાં 2 અધિકારી વર્ગના અને 3 મજૂર વર્ગના હતા. NIAની ટીમ પણ આ કેસની તપાસ માટે ગાંદરબલ પહોંચશે. જો કે આ હુમલામાં પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં મોકલવામાં આવ્યા છે. આ હુમલો ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં થયો હતો. હુમલા બાદ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 


મેસમાં જમવા પહોંચ્યા અને ફાયરિંગ થયુ
હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. આતંકવાદી હુમલામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ આતંકવાદી હુમલો રાત્રે લગભગ 8.30 વાગ્યે થયો હતો. આ સમયે તમામ કર્મચારીઓ ભોજન લેવા માટે મેસમાં એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારે કામદારો મેસમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે ત્રણ આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. કોઇ કંઇ સમજે તે પહેલા જ આતંકીઓ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં બે વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.

  • Follow us on: