- સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસ માટે પણ ઈલોન મસ્કની ભારતીય બજાર પર નજર
- ટેસ્લાએ હજુ સુધી યોજના માટે ભારતનો સંપર્ક સાધ્યો નથી
- ઈલોન મસ્કની એપ્રિલની રદ્દ થયેલી ભારતની મુલાકાતથી ઘણી અપેક્ષાઓ હતી
અમેરિકાની ઈલેક્ટ્રીક વ્હીકલ્સ (ઈવી) અગ્રણી કંપની ટેસ્લાએ પોતાની ભારત યોજના અંગે હજુ કોઈ ફોડ પાડયો નથી. ઈવી નીતિ હેઠળ ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સના ઉત્પાદન માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપવા ટેસ્લાએ હજુ સુધી ભારત સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ સંપર્ક સાધ્યો નથી, એમ સત્તાધીશોએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. અમેરિકાના ધનકુબેર ઈલોન મસ્ક ગત 21-22 એપ્રિલના રોજ ભારતની મુલાકાતે આવાનાર હતા પણ તેમણે છેલ્લી ઘડીએ પોતાની આ યાત્રા મુલત્વી રાખી હતી. ઈલોન મસ્ક ઈલેક્ટ્રીક કારમેકર કંપની ટેસ્લાના સીઈઓ છે. જેઓ પોતાના ભારત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરનાર હતા.
ટેસ્લા હજુ પણ મૌન અવસ્થામાં છે, ઈવી નીતિ હંમેશા દરેક માટે હતી, શું ટેસ્લાએ ભારત ખાતેની યોજના માટે સરકારનો કોઈ સંપર્ક સાધ્યો છે તેવા પ્રશ્નના જવાબમાં સત્તાધીશોએ ઉક્ત વાત જણાવી હતી. સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અલબત્ત વ્યવસાયિક નિર્ણયો કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. જેથી આ મામલે ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં.










