હરિયાણાના ભિવાનીમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક અજાણ્યા શખ્સો બાઇક પર આવે છે અને પહેલા એક વ્યક્તિને તેના ઘરની બહાર બોલાવે છે અને તેની સાથે વાત કરે છે. બાદમાં અચાનક શખ્સો ગોળીબાર કરવાનું શરૂ કરી દે છે. જોકે, ગોળીબાર કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી પલાયન થઈ શકતા પીડિત શખ્સના પડોશમાં રહેતી એક મહિલા પોતાના ઘરની બહાર આવી જાય છે અને ઝાડુ લઈને આરોપીઓનો સામનો કરે છે. મહિલાને પોતાની પાછળ જોઈને બદમાશો ત્યાંથી ભાગી જાય છે. એક ઝાડુ સાથે આરોપીનો સામનો કરતી આ મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
હત્યાનો આરોપી છે ઇજાગ્રસ્ત થયેલ શખ્સ
સ્થાનિક પોલીસે ફાયરિંગમાં ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ હરિકૃષ્ણ તરીકે કરી છે. હરિકૃષ્ણ પર રવિ બોક્સરની હત્યાનો આરોપ છે. એવું માનવામાં આવે છે કે હરિકૃષ્ણનો સંબંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ છે. હરિકૃષ્ણ હાલમાં જામીન પર બહાર છે. ત્રણ મહિના પહેલા ભિવાની પોલીસે હરિકૃષ્ણ પર હુમલાની યોજના ઘડવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
સોમવારે બની હતી ફાયરિંગની ઘટના
પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ, ભિવાનીમાં થયેલ ફાયરિંગની આ ઘટના સોમવારે સવારે સાડા સાત વાગ્યાની છે. કેટલાંક બદમાશોએ હરિકૃષ્ણ પર કેટલાંક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં હરિકૃષ્ણ ઘાયલ થયો હતો. પોલીસ અધિકારી દીપકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ઘાયલ શખ્સને સારવારે માટે PGIMS રોહતક રિફર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પોલીસ CCTV ફૂટેજ તપાસી રહી છે અને ફાયરિંગ કરનાર અને તેમની સાથે આવેલ બે બદમાશોની શોધખોળ ચાલી રહી છે.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાનો CCTV વાયરલ થઈ રહ્યો છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે હરિકૃષ્ણ પોતાના ઘરની બહાર ઊભો છે. થોડીવારમાં બે બાઇક પર ચાર શખ્સો તેની પાસે આવીને ઊભા રહે છે. બાઈકમાં પાછળ બેસેલા શખ્સો ઉતરીને હરિકૃષ્ણ પર ગોળીબાર કરી મૂકે છે. ફાયરિંગથી બચવા હરિકૃષ્ણ ભાગીને ઘરના ગેટની અંદર ઘૂસવા જાય છે અને ઘૂટણીએ ફસડાઈ પડે છે. પરંતુ ભારે જહેમત બાદ તે ઘરની અંદર જતો રહે છે અને ગેટ બંધ કરી દે છે. ત્યાં સુધીમાં હુમલાખોરો ગેટ પાસે આવીને ફાયરિંગ ચાલુ રાખે છે. આ દરમિયાન પાડોશમાં રહેતા એક મહિલા આ બધો ઘટનાક્રમ જોઈ જાય છે અને હરિકૃષ્ણની મદદ માટે આગળ આવે છે અને માત્ર એક ઝાડુ સાથે આરોપીઓનો સામનો કરે છે. મહિલા ઝાડુ લઈને આરોપીઓની પાછળ દોડે છે. મહિલાને જોઈને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટે છે.