- CAA પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજી
- 19 તારીખે થશે અરજી પર સુનાવણી
- સુપ્રિમ કોર્ટ આ કેસની સુનાવણી માટે થઇ સહમત
CAA પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીની સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ સહમત થઇ છે. આ કેસની સુનાવણી હવે 19 માર્ચે થશે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલો આવતા અઠવાડિયે લિસ્ટ કરવામાં આવશે. 2019 થી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી 200 થી વધુ સંબંધિત અરજીઓમાં CAAની વિવિધ જોગવાઈઓને પડકારવામાં આવી છે. CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે સોમવારે તેના માટે નોટિફિકેશન જાહેર કર્યું હતું.
કોણે કોણે કરી સ્ટે માટેની માંગ ?
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) તરફથી હાજર રહેલા સિબ્બલે કહ્યું, આ અરજીઓ 2019 થી પેન્ડિંગ છે. અગાઉ, અમે કાયદાને હોલ્ડ પર રાખવા માટે દબાણ કર્યું ન હતું કારણ કે કેન્દ્રએ દલીલ કરી હતી કે હજુ સુધી નિયમો ઘડવામાં આવ્યા નથી. પરંતું તેમણે સામાન્ય ચૂંટણી પહેલા નિયમોની જાહેરાત કરી છે. સિબ્બલે કહ્યું કે એકવાર નાગરિકત્વ મળી ગયા બાદ આ પ્રક્રિયાને ઉલટાવી મુશ્કેલ બનશે. મહત્વનું છે કે IUML એ અદાલતમાં અધિનિયમમાં થયેલા સુધારા અને કલમ 6B ની માન્યતાને પડકારતી અરજી કરી છે. આ કલમનો ઉદ્દેશ 31 ડિસેમ્બર 2014 કે તેના પહેલા ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ઝડપી નાગરિકતા આપવાનો છે. IUML ઉપરાંત, આસામ કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા, આસામ રાષ્ટ્રવાદી યુવા છાત્ર પરિષદ (એક પ્રાદેશિક વિદ્યાર્થી સંગઠન), ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI) અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) એ પણ તેના પર સ્ટે મેળવવા માટે અલગ-અલગ અરજી દાખલ કરી હતી. તેને સ્થાપિત કરવાની માંગ છે.
19 માર્ચે વધુ સુનાવણી
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો કોર્ટ યોગ્ય દિવસે કેસની સુનાવણી કરે તો તેમને કોઈ મુશ્કેલી નથી. તેમણે કહ્યું, "હું એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ અરજદારને 'નાગરિકતા ન આપો' કહેવાનો અધિકાર નથી. જ્યાં સુધી ચૂંટણીની ચર્ચાનો સંબંધ છે, હું રાજકારણને કોર્ટથી દૂર રાખીશ." આના પર, CJIએ કહ્યું કે આ કેસની તમામ 237 અરજીઓ 19 માર્ચે સૂચિબદ્ધ થઈ શકે છે. "અલગ-અલગ દૃષ્ટિકોણ ધરાવતા તમામ પક્ષકારો... અમે કેટલાક વકીલોને સાંભળી શકીએ છીએ," જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું.
11 માર્ચે નોટિફિકેશન પાડ્યુ છે બહાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સોમવારે CAA લાગુ કર્યો હતો. આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં પ્રવેશેલા બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ વસાહતીઓ માટે નાગરિકત્વનો માર્ગ મોકળો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત CAAના નિયમો હેઠળ, આ દેશોમાંથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.