- છઠ પૂજા વિશેષ ટ્રેનના મુસાફરોને થયો અત્યંત કડવો અનુભવ
- સહરસાથી દિલ્હી જતી ટ્રેન લોકો પાયલટ વગર દોઢ કલાક અટકી પડી
- ટ્રેન લેટ થતાં મુસાફરોએ મચાવ્યો હંગામો, બીજી ટ્રેન પણ અટકાવાઇ
ઉત્તર પ્રદેશના બુઢવલ જંકશન પર એક ટ્રેન કલાકો સુધી ઉભી રહી કારણ કે તેને ચલાવતો લોકો પાઇલટ, આસિસ્ટન્ટ લોકો પાઇલટ અને ગાર્ડે એમ કહી દીધું કે તેમની ડયુટીનો સમય પૂરો થઈ ગયો છે. તે ગાડીને આગળ નહિ લઈ જાય. જાણવા મળી રહ્યું છે કે લોકો પાયલટનું આવું વર્તન જોઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત સમાચાર અનુસાર, બિહારના સહરસાથી દિલ્હી જતી છઠ પૂજા વિશેષ ટ્રેન (04021) બપોરે લગભગ 1.15 વાગ્યે બુઢવલ જંકશન પર પહોંચી હતી. અહીં આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર રોકાઈ હતી. જ્યાંથી માલગાડીએ પણ પસાર થવાનું હતું.
લોકોને તો પહેલા લાગ્યું કે માલગાડી પસાર થઈ રહી હતી એટલે તેમની ટ્રેન અટકી ગઈ હતી. પરંતુ, એક કલાક પછી પણ ટ્રેન ન ઉપાડી તો મુસાફરો ટ્રેન લેટ થવા પાછળનું કારણ પૂછ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ સહિત ગાર્ડ ટ્રેનને અટકાવીને ચાલ્યા ગયા છે અને તેમણે આમ કરવા પાછળનું કારણ પણ આપ્યું. તેમણે કહ્યું કે તેમની ડયુટીનો સમય પૂરો થઈ ગયો છે એટલે જ તેમણે ટ્રેનને આગળ લઈ જવાથી ઇનકાર કરી દીધો હતો. આ ટ્રેનમાં અંદાજે 2,500 મુસાફરો હતા. આ મુસાફરો જંકશન પર ઉતરી ગયા અને તેમની ટ્રેનને તાત્કાલિક આગળ મોકલવાની માંગ કરવા લાગ્યા. પ્રદર્શન કરી રહેલા ગુસ્સે ભરાયેલા મુસાફરોએ પાછળથી આવતી બરૌની-લખનૌ એક્સપ્રેસ ટ્રેનને પણ રોકી દીધી હતી. પરંતુ, તે ટ્રેનના મુસાફરો પણ ફસાઈ ગયા કારણ કે તેના લોકો પાયલટનો ડ્યુટી સમય પણ પૂરો થઈ ગયો હતો.










