• અગાઉ BRSની જીત નક્કી જણાતી હતી પણ હવે નવાં સમીકરણો

  • ત્રીજા ભાગની બેઠકો પર BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ
  • ભાજપ સારો દેખાવ કરે તો ઓવૈસીની એમઆઇએમને ફટકો પડશે

તેલંગાણામાં ચૂંટણીની હવાને લઇને અટકળો શરૂ થઇ ચૂકી છે. એવું મનાય છે કે રાજ્યના ચૂંટણી પરિણામો ચોંકાવી શકે છે. મુકાબલો ત્રિકોણીય જણાઇ રહ્યો છે. અગાઉ એમ મનાતું હતું કે બીઆરએસની ત્રીજીવાર જીત નક્કી છે પણ જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ હાર-જીતના નવા સમીકરણો દેખાઇ રહ્યા છે. રાજ્યમાં લગભગ ત્રીજા ભાગની બેઠકો પર ચૂંટણી સંઘર્ષ બીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જણાઇ રહ્યો છે.

સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કુલ 119માંથી 70-75 બેઠકો પર મજબૂત સ્થિતિમાં ચૂંટણી લડી રહી છે. એટલે કે આ બેઠકો પર આકરો મુકાબલો છે જ્યારે ભાજપ હૈદરાબાદ અને તેની આસપાસની ત્રણ ડઝન બેઠકો પર સારો દેખાવ કરી રહ્યો છે. તેના કારણે આ બેઠકો પર ત્રિકોણીય મુકાબલો જણાય છે. જો ભાજપ આ બેઠકો પર 15 ટકા કે તેથી વધુ મત મેળવવામાં સફળ રહે તો તેનાથી બીઆરએસને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થશે કેમ કે બીઆરએસ વિરોધી મતો કોંગ્રેસના બદલે ભાજપને મળશે પણ જો ભાજપનો દેખાવ નબળો રહેશે તો કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઇ શકે છે.

શહેરી બેઠકો પર ભાજપની મજબૂત પકડ

કોંગ્રેસ તરફથી બીઆરએસ-ભાજપ સંબંધોનો હંમેશા પ્રચાર કરાયો છે પણ ભાજપ સાથે જોડાયેલા સૂત્રો સ્પષ્ટ કરે છે કે ચૂંટણી પછી બીઆરએસને સરકાર રચવામાં ટેકાની જરૂર હશે તો ભાજપ તેને ટેકો નહીં આપે. એમ પણ મનાય છે કે હૈદરાબાદની બેઠકો પર ભાજપ સારો દેખાવ કરે તો ઓવૈસીની એમઆઇએમને ફટકો પડશે. બીજી તરફ કોંગ્રેસની બહેતર સ્થિતિ પાછળ ઘણા કારણો છે. કર્ણાટકમાં તે સત્તા પર હોવાના કારણે આ વખતે ચૂંટણી મેનેજમેન્ટ પહેલાં કરતાં સુધર્યું છે અને આ વખતે તે શાસનવિરોધી લહેરનો લાભ ઉઠાવવા વધુ બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. દક્ષિણમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની પણ અસર છે.


  • Follow us on: