- પહલગામમાં -6.3, શ્રીનગરમાં -4.4 ડિગ્રી સે.
- લઘુતમ તાપમાન, જળસ્ત્રોત થીજી ગયા
- બાળકો તથા વૃદ્ધોમાં શ્વસન સંબંધી તકલીફો વધી
કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચી ચૂક્યો છે ત્યારે ગુરુવારથી 'ચિલ્લઇ કલાં'નો 40 દિવસનો સમયગાળો શરૂ થતો હોઇ ઠંડીનું જોર હજુ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. શ્રીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન -4.4 ડિગ્રી સે. નોંધાયું હતું, જે સોમવારે રાત્રે -3.7 ડિગ્રી સે. હતું. અનંતનાગ જિલ્લાના પહલગામમાં -6.3, બારામુલાના જાણીતા સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં -4.4, કાજીગુંડમાં -4, કોકરનાગમાં -3.3 અને કુપવાડામાં -3.5 ડિગ્રી સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડી વધતાં કાશ્મીર ખીણમાં જળસ્ત્રોત થીજી ગયા છે અને બાળકો તથા વૃદ્ધોમાં શ્વસન સંબંધી તકલીફો વધી છે. 'ચિલ્લઇ કલાં' કાતિલ ઠંડીનો 40 દિવસનો ગાળો છે, જે દરમિયાન સમગ્ર કાશ્મીર ખીણમાં શીતલહેર ફરી વળે છે, જેના કારણે દલ લૅક સહિતના તળાવો પણ થીજી જાય છે.










