- કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર
- રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી
- કોંગ્રેસ 39 ઉમેદવારો ઉતારશે મેદાનમાં
દેશમાં લોકસભા ચૂંટણીની તારીખ થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આ પહેલા રાજકીય પક્ષો હવે તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. કોંગ્રેસે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડથી ચૂંટણી લડશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, અમે ચૂંટણીના મોડમાં છીએ. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા ગુજરાતમાં પહોંચી છે અને તેનું મુંબઈમાં સમાપન થશે.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે જ્યારે રાજેન્દ્ર શાહુને દુર્ગથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

24 ઉમેદવારો ST,SC,OBC અને 15 જનરલ કેટેગરીના ઉમેદવારો
પ્રથમ યાદીમાં 15 સામાન્ય શ્રેણી અને 24 એસસી/એસટી/ઓબીસી/લઘુમતીઓને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે 12 ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી ઓછી છે જ્યારે 8 ઉમેદવારોની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે છે. 7 ઉમેદવારો છે જેમની ઉંમર 71 થી 76 વર્ષની છે. પાર્ટીની પ્રથમ યાદીમાં છત્તીસગઢ અને કર્ણાટકની 6-6 બેઠકો છે. આ સાથે તેણે કેરળની 15 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. મેઘાલયની 2, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમની 1 અને તેલંગાણાની 4 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વચનોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે ઘણા વચનો આપ્યા છે. કોંગ્રેસ સરકાર બનશે તો તે વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે અમે તેલંગાણા અને કર્ણાટકમાં વચનો પૂરા કર્યા છે. અમે 30 લાખ યુવાનોને નોકરી આપવાનું વચન પણ પૂરું કરીશું.









