- દેશના 740 જિલ્લામાંથી બે-બે બાળકો શાળામાં અઠવાડિયું પ્રેરણાત્મક વાતો સાંભળશે
- પ્રોજેક્ટ 50 અઠવાડિયા સુધી ચાલશે, 30-30 બાળકોની બેચ શાળાની મુલાકાત લેશે
- મ્યૂઝિયમ સંસ્કૃતિ મંત્રાલય ગુજરાત સરકાર સાથે મળીને તૈયાર કરી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને ટૂરિસ્ટ હોટસ્પોટ બનાવવાના કેન્દ્ર સરકારના આયોજનના ભાગરૂપે મોદી વડનગરની જે શાળામાં ભણ્યા હતા તેને 'પ્રેરણાકેન્દ્ર' તરીકે વિકસાવવામાં આવશે. 'પ્રેરણા' નામના આ નવા પ્રોજેક્ટ અંતર્ગત દેશના 740 જિલ્લામાંથી બે-બે બાળકો સ્ટડી ટૂરના ભાગરૂપે આ શાળામાં એક અઠવાડિયા સુધી રોકાશે અને પ્રેરણાત્મક વાતો સાંભળશે. વડનગરની આ શાળા 19મી સદીમાં બનેલી છે, જેને હવે પ્રેરણાદાયક સ્થળ તરીકે વિકસાવાશે.
શાળા 1888માં બની હતી અને 2018 સુધી તે કાર્યરત હતી. બાદમાં આર્કિયોલોજિકલ સરવે ઓફ્ ઈન્ડિયા દ્વારા તેનું રિડેવલપમેન્ટ હાથ ધરાયું હતું. 50 અઠવાડિયા સુધી ચાલનારા 'પ્રેરણા' પ્રોજેક્ટ હેઠળ દર અઠવાડિયે દેશભરમાંથી 30-30 બાળકોની બેચ વડનગરમાં વડાપ્રધાન મોદીની શાળાની મુલાકાત લેશે. સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાનુસાર સિલેક્શન પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે અને બાળકોની પસંદગી માત્ર બુદ્ધિમતાના આધારે નહીં પણ વિવિધ પ્રવૃત્તિઓના આધારે કરાશે.










