ભારતીય સાંસદોની વધુ બે ટીમો શુક્રવારે રાત્રે વિદેશ પ્રવાસ પર રવાના થઈ હતી. ભાજપના સાંસદ જય બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાંસદોની એક ટીમ અખાતી દેશો માટે રવાના થઈ. અને બીજી ટીમ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં અમેરિકા માટે રવાના થઈ. ભારતના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના દળ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને 'ઓપરેશન સિંદૂર' વિશે વિશ્વને વાકેફ કરવા માટે દુનિયાના જુદા-જુદા દેશોની મુલાકાત પર છે.


પાંડાના નેતૃત્વમાં ડેલિગેશનનું દળ વિદેશ પ્રવાસે

આજે ભાજપ સાંસદ પાંડાના નેતૃત્વમાં ડેલિગેશનનું વધુ એક દળ અખાતી દેશોના પ્રવાસ પર છે. આ પ્રતિનિધિમંડળ ચાર દેશોની મુલાકાત લેશે. જેમાં બહેરીન, સાઉદી અરેબિયા, કુવૈત અને અલ્જીરિયાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, નેતાઓ આ દેશો સમક્ષ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતની સતત લડાઈ રજૂ કરશે. જય બૈજયંત પાંડાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ, જેમાં નિશિકાંત દુબે, ફંગાનન કોન્યક, રેખા શર્મા (તમામ ભાજપ), અસદુદ્દીન ઓવૈસી (એઆઈએમઆઈએમ), સતનામ સંધુ (નોમિનેટેડ), પૂર્વ મંત્રી ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષ શ્રિંગલા સાઉદી અરેબિયા, કુવૈત, બહરીન અને અલ અલ અરબ જવા રવાના થયા હતા.

પાંડાએ શેર કરી વાત

પોતાના વિદેશ પ્રવાસે જતા પહેલા દિલ્હી એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા પાંડાએ કહ્યું, 'અમે પશ્ચિમ એશિયાના પ્રવાસે જઈ રહ્યા છીએ. અમારા સભ્યો વિશ્વને સૌથી મોટો સંદેશ આપશે કે ભારતમાં વિવિધતા છતાં એકતા છે. અમે આ સંદેશ વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ કે યુદ્ધના મેદાનમાં વિજય પ્રાપ્ત કર્યા પછી, વિશ્વને આતંકવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવું પણ મહત્વપૂર્ણ છે. આતંકવાદ ફક્ત ભારતની સમસ્યા નથી વિશ્વભરના ઘણા દેશોને પીડિત કરી રહ્યો છે. પરંતુ આપણે એક ખાસ પ્રકારના આતંકવાદથી પીડાઈ રહ્યા છીએ જે એક દેશ દ્વારા પ્રાયોજિત છે, આ જ સંદેશો અમે દુનિયાના દેશોને આપીશું કે ભારત આતંકવાદ સામે આવો જ સણસણતો જવાબ આપશે અને આ જ અમારું મિશન છે.

પાકિસ્તાનનો પર્દાફાશ કરીશું

પાકિસ્તાન દ્વારા બનાવેલા આ આતંકવાદી સ્થાપનો અને આતંકવાદી માળખા પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તે માત્ર ભારત માટે જ ખતરનાક નથી પરંતુ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ ખતરો છે. પાકિસ્તાન પોતાના દેશમાંથી આતંકવાદી કેમ્પ ચલાવે છે અને પછી એ જ આતંકવાદીઓ આપણા દેશમાં આવીને હુમલો કરે છે. તાજેતરનો પહેલગામ હુમલો તેનું ઉદાહરણ હતું. અમે આ બાબતે આ ચાર દેશોની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને તેમની સમક્ષ પાકિસ્તાનનો અસલી ચહેરો રજૂ કરીશું.

  • Follow us on: