• 26 અઠવાડિયાના ભ્રૂણના ગર્ભપાતનો કેસ

  • કોન્ટ્રાસેપ્ટિવના ઉપયોગ છતાં ગર્ભ રહ્યો
  • જાણ થયાના પાંચ દિવસમાં અરજી કરી હતી

26 અઠવાડિયાના ભ્રૂણને દાક્તરી રીતે ગર્ભપાત કરાવવાના કેસમાં શુક્રવારે સતત પાંચમા દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે નિર્દેશ આપ્યા કે, AIIMSના ડોક્ટર્સનું બોર્ડ મહિલાની માનસિક અને શારીરિક તપાસ કરીને તેની મનોવિકૃતિ વિશે રિપોર્ટ તૈયાર કરે. સીજેઆઇએ એમ પણ કહ્યું કે અરજદાર મહિલાએ બપોરના બે વાગ્યા પહેલાં બોર્ડ સમક્ષ હાજર થવું અને બોર્ડ રિપોર્ટ તૈયાર કરે કે મહિલાને અપાઈ રહેલી ડિપ્રેશનની દવાઓથી ભ્રૂણને કઈ રીતે બચાવી શકાય. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થવાની છે. ગુરુવારે સીજેઆઇની બેંચે અરજદાર મહિલાનાં વકીલને પૂછયું હતું કે 26 અઠવાડિયા સુધી રાહ જોયા બાદ શું તે બીજા થોડા દિવસ રાહ ન જોઈ શકે?

સીજેઆઇની બેંચે પોતાની સુનાવણીમાં પ્રો-લાઇફ અને પ્રો-ચોઇસ કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આપણો કાયદો પ્રો-ચોઇસ છે. જો તમારે કોઈ મહિલાનો જીવ બચાવવો હોય તો તમે ગર્ભાવસ્થા સમાપ્ત કરી શકો છો. આપણા કાયદામાં મહિલાના જીવનને સર્વોપરી રખાયું છે. કોર્ટે કહ્યું કે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના કાયદામાં લખ્યું છે, 20 અઠવાડિયા માટે એક મેડિકલ પ્રેક્ટિશનર, 20-24 વીક માટે બે ડોક્ટર્સ અને પછી 24 વીક કરતાં વધારે માટે બોર્ડ નિર્ણય કરશે.

મહિલાએ કહેલું કે ગર્ભવતી થયાની ખબર નહોતી

અરજદાર મહિલાએ અપીલમાં કહેલું કે તેને એક દૂધ પીતું બાળક છે. તેણે લેક્ટેશનલ અમેનોરિયા નામની કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કર્યો હતો પણ તે કારગત ન નીવડયો અને તે પ્રેગ્નન્ટ થઈ ગઈ. તેને પોતે ગર્ભવતી હોવાની જાણ મોડી થઈ હતી. ગર્ભ રહ્યાની જાણ થયા બાદ મહિલા પાંચ દિવસમાં જ કોર્ટ પહોંચી હતી અને ગર્ભપાતની મંજૂરી માગી હતી, જેમાં ત્રણ દિવસ તો રજાના હતા.


  • Follow us on: