- સુપ્રીમ કોર્ટમાં આવતા અઠવાડિયે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ કેસની સુનાવણી થશે
- અગ્નિપથ યોજનાની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે
- જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની વેકેશન બેંચના સમક્ષ અરજી દાખલ કરવામાં આવી
સેનામાં ભરતી અંગેની અગ્નિપથ યોજનાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આવતા અઠવાડિયે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ કેસની સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં એરફોર્સના જવાનોનું કહેવું છે કે, અગ્નિપથ યોજનાના કારણે તેમની કારકિર્દી 20 વર્ષની જગ્યાએ માત્ર 4 વર્ષની થઈ જશે. અરજી દાખલ કરનાર એડવોકેટ એમએલ શર્માએ કહ્યું છે કે, 'મારી સરકારને વિનંતી છે કે ભરતી માટે જાહેર કરાયેલી સૂચના રદ કરવામાં આવે. સરકાર કોઈપણ યોજના લાવી શકે છે, પરંતુ અહીં વાત સાચા અને ખોટાની છે. હાલ પણ 70 હજાર લોકો એવા છે જે તેમના નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે.
આ અરજી જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની વેકેશન બેંચના સમક્ષ દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે અગ્નિપથ યોજના તે લોકોને લાગુ ન થવી જોઈએ જેઓ પહેલેથી જ ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં સામેલ છે અને નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ કારણ કે આ સૈનિકોની કારકિર્દીનો પ્રશ્ન છે. વકીલે કહ્યું કે ઘણા પ્રયત્નો પછી પણ રજિસ્ટ્રી વિભાગ તરફથી પણ તારીખ આપવામાં આવી નથી. કોર્ટે 14 જૂને રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનને રદ કરવું જોઈએ, જેમાં અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.










