• કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રતાપગઢી સામે કેન્દ્રીયમંત્રી શોભા કરાંદલજેના શાબ્દિક પ્રહારો

  • અતિકના ગુણગાન ગાનારને કોંગ્રેસે પહેલાં રાજ્યસભામાં મોકલ્યો
  • હવે કર્ણાટકમાં સ્ટાર પ્રચારક બનાવ્યો : શોભા

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે જારી પ્રચાર વચ્ચે યુપીના માફિયા અતિક અહેમદની એન્ટ્રી થઇ છે, જેની ગયા શનિવારે ત્રણ શૂટરે ગોળી મારીને હત્યા કરી હતી. કર્ણાટક ભાજપનાં નેતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શોભા કરાંદલજેએ મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે, કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી અતિક અહેમદને પોતાના ગુરુ માનતા હતા. ઇમરાને કર્ણાટકમાં હિન્દુવિરોધી ભાષણ આપ્યું હતું કે મુસ્લિમો માથું નમાવવાવાળા નહીં પણ માથું કાપવાવાળા છે. આવા રાષ્ટ્રવિરોધી નેતાને કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી માટે પક્ષના 40 સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપ્યું છે. શોભા કરાંદલજે ભાજપની કર્ણાટક ચૂંટણી સંચાલન સમિતિના કન્વીનર પણ છે.

તેમણે ઉમેર્યું કે, અતિકનું સમર્થન કરવા બદલ જે વ્યક્તિની ધરપકડ થવી જોઇતી હતી તેને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવી દીધો છે. અતિક અહેમદ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે? અતિક ઇમરાનનો ખાસ મિત્ર હતો. ઇમરાન તેને પોતાના ગુરુ, ભાઇ કહેતા હતા. મુશાયરાઓમાં અતિકના ગુણગાન ગાતી પંક્તિઓ લલકારતા હતા. આવા માણસને કોંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યો અને હવે કર્ણાટકમાં પક્ષના સ્ટાર ચૂંટણી પ્રચારકોમાં સ્થાન આપ્યું છે.

ભાજપે શિવમોગાથી પૂર્વ ડે. સીએમ ઇશ્વરપ્પાના પુત્રને ટિકિટ ન આપી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો ગુરુવારે છેલ્લો દિવસ હતો, જે પૂર્વે બુધવારે ભાજપે ઉમેદવારોની ચોથી અને અંતિમ યાદી જારી કરી, જેમાં પક્ષે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે. ઇશ્વરપ્પાને આંચકો આપતા શિવમોગાની હાઇપ્રોફાઇલ બેઠક પરથી તેમના પુત્રને ટિકિટ નથી આપી. શિવમોગા બેઠક પરથી ભાજપે ચન્નાબાસપ્પાને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને શિવમોગાથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયેલા ઇશ્વરપ્પાએ આ વખતે ચૂંટણી લડવા ઇનકાર કરી પોતાના પુત્ર ઇ. કંતેશ માટે ટિકિટ માગી હતી. કર્ણાટકની ચૂંટણીમાં રાજકીય પક્ષો ભલે લિંગાયત, કુરુબા અને વોક્કાલિગા સમુદાયોનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ મુસ્લિમ મતોની પણ ઉપેક્ષા કરી શકાય તેમ નથી. કર્ણાટકમાં મુસ્લિમોની વસ્તી 13%થી વધુ છે.


  • Follow us on: