ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણએ કહ્યું કે આધુનિક યુદ્ધની જે વ્યાખ્યા છે એ હવે માત્ર ફક્ત બંદૂકો અને ગોળા સુધી સીમિત નથી રહેવાની. સમય સાથે યુદ્ધની પરિભાષા પણ બદલાય છે. આજના સમયમાં યુદ્ધ એ ટેકનોલોજી, માહિતી અને નેટવર્કિંગની લડાઈ બની ગઈ છે. જનરલ અનિલ ચૌહાણએ આપેલા નિવેદનમાં તેમણે 5 મુદ્દાઓમાં સમજાવ્યું કે આવનારા ભવિષ્યમાં યુદ્ધ કેવી રીતે લડવામાં આવશે.


ઓપરેશન સિંદૂરએ નવો ચીલો ચીતર્યો

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યુંકે "ઓપરેશન સિંદૂર"એ યુદ્ધ લડવાની રીતમાં વિશ્વમાં એક નવો ચીલો ચીતર્યો છે. ઓપરેશન સિંદૂરની વાત કરતી વખતે તેમણે ખાસ કરીને યુદ્ધમાં ટેકનોલોજી,સાયબર ઓપરેશન્સ અને માહિતીને નિયંત્રિત કરવાની ક્ષમતા પર તેમની વાતનો ભાર મૂક્યો. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ જેટલી આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલાઓ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. aઆ યુદ્ધ અંગે વધારે જણાવતા જનરલ ચૌહાણે કહ્યું કે આ મિશન શારીરિક યુદ્ધ કરતાં ટેકનોલોજીની બાબતમાં ઘણું વધારે હતું.

5 મુદ્દાઓમાં સમજાવી યુદ્ધ નીતિ

જનરલ અનિલ ચૌહાણે કહ્યું એ મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોની મહેનતનો 15 ટકા ભાગ તો દુશ્મન તરફથી પ્રસારિત કરવામાં આવતા ખોટા સમાચાર અને ભ્રામક કથાઓનો સામનો કરવા માટે ખર્ચાઈ ગયો હતો. સીડીએસ અનિલ ચૌહાણે 5 મુદ્દાઓમાં સમજાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન શું કામ કરવામાં આવ્યું હતું અને આગળ યુદ્ધ કેવી રીતે લડવામાં આવશે.

ઓપરેશન સિંદૂર લશ્કરી શારીરિક યુદ્ધ જેવુ ન હતું

સિંગાપોરમાં શાંગરી-લા વાર્તા પર નિવેદન આપતા જનરલ ચૌહાણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ફક્ત પરંપરાગત લશ્કરી શારીરિક યુદ્ધ જેવુ ન હતું પણ આ વખતે યુદ્ધમાં સાયબર ક્ષમતાઓ, ગુપ્ત માહિતી, ખોટી માહિતી વ્યવસ્થાપન, તેમજ જમીન, હવા, સમુદ્ર અને સાયબર વિભાગના અન્ય દળોના સંકલન સાથે જોડાયેલ હતું .

સૌથી મોટો પડકાર ખોટી માહિતી

સીડીએસે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર એ ખોટી માહિતી હતી. જનરલ ચૌહાણે કહ્યું કે મિશન દરમિયાન સશસ્ત્ર દળોની મહેનતનો 15 ટકા ભાગ ખોટા સમાચાર અને ભ્રામક નિવેદનોનો સામનો કરવા માટે ખર્ચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે નકલી સમાચારનો સામનો કરવો એ સતત ચાલતી એક પ્રક્રિયા જેવુ હતું.

સાયબર હુમલાઓ બંને બાજુએથી થયા

સાયબર ક્ષમતાઓના ઉપયોગ અંગે, સીડીએસે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સાયબર હુમલાઓ બંને બાજુએથી થયા હતા, પરંતુ મુખ્ય ભારતીય લશ્કરી પ્રણાલીઓ પર દુશ્મન દેશના આવા હુમલાઓની અસર ખાસ થઈ ન હતી. સીડીએસે કહ્યું કે આપણી લશ્કરી પ્રણાલીઓ એર-ગેપ્ડ છે, જેનો અર્થ એ છે કે તે ઇન્ટરનેટ સાથે જોડાયેલ નથી અને તેથી મોટાભાગે સુરક્ષિત છે.

યુદ્ધમાં ટેકનોલોજી ખૂબ જરૂરી

સીડીએસે તેમની વાતમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. આધુનિક યુદ્ધમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ હવા, જમીન, સમુદ્ર અને સાયબર ડોમેનમાં સિસ્ટમોનું નેટવર્કિંગ અને રીઅલ-ટાઇમ એકીકરણ છે જેનાથી યુદ્ધમાં ફાયદો થાય છે. જનરલ અનિલ ચૌહાણે ખુબજ સ્પષ્ટતાથી કહ્યું કે જો તમારી પાસે ઉત્તમ ટેકનોલોજી છે, પરંતુ તે યોગ્ય મધ્યમથી જોડાયેલ નથી, તો તમે તેનો સંપૂર્ણ લાભ લઈ શકતા નથી.

ડ્રોન જેવી નવી ક્ષમતાઓ માટે ખાસ એકમોની જરૂર

સીડીએસે કહ્યું કે ડ્રોન અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો જેવી નવી ક્ષમતાઓ માટે ખાસ એકમોની જરૂર પડશે. તેમણે કહ્યું કે આપણને ડ્રોન, EW, UTAP (માનવ રહિત ટીમિંગ એરિયલ પ્લેટફોર્મ) વગેરે માટે અલગ સંગઠનોની જરૂર પડશે.

  • Follow us on: