•  8 IPS અને 5 નોન-કેડર IAS અધિકારીઓની બદલીના આદેશ
  • રાજકારણીઓના સંબંધીઓ હોય તેવા DM-SPની બદલી
  • અધિકારીઓ પર રાજકારણીઓના સંબંધીઓ હોવાનો હતો આરોપ 

લોકસભાની ચૂંટણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં જે વિસ્તારોના અધિકારીઓ પર રાજકારણીઓના સંબંધીઓ હોવાનો આરોપ હતો તેવા વિસ્તારોના DM-SPની પણ બદલી કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચ ચૂસ્તપણે કડક કાર્યવાહી કરી રહી છે.ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં વહીવટી બદલીઓના આદેશો જારી કર્યા છે. ગુજરાત, પંજાબ, ઓડિશા, આસામ અને પશ્ચિમ બંગાળમાં 8 IPS અધિકારીઓ અને 5 નોન-કેડર IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જે વિસ્તારોના અધિકારીઓ પર સ્થાનિક રાજકારણીઓના સંબંધી હોવાનો આરોપ હતો ત્યાંના DM અને SPની પણ બદલી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના ભટિંડાના SPના સંબંધીઓ સરકારમાં સામેલ છે, તેમની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે સોનિતપુર SPના ભાઈ રાજ્યકક્ષાના મંત્રી છે, તેમની પણ બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે આ પગલા લીધાં છે.

આ અધિકારીઓની કરાઇ હતી બદલી 

આ ઉપરાંત ગુજરાતમાં છોટા ઉદેપુર અને અમદાવાદ ગ્રામીણ વિસ્તારના એસપી, પઠાણકોટ ફાઝિલ્કા, જલંધર ગ્રામીણ અને પંજાબના માલેરકોટલા જિલ્લાના એસએસપીની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઓડિશામાં ઢેંકનાલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને દેવગઢ, કટક ગ્રામીણ વિસ્તારના એસપીની પણ બદલી કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે.

અગાઉ, ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો હતો . આ સિવાય મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જનરલ એડમિનિસ્ટ્રેશન સેક્રેટરીને પણ ચૂંટણી પંચે હટાવી દીધા છે. આ સિવાય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ડીજીપી રાજીવ કુમારને પણ હટાવવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દીધા છે.



  • Follow us on: