ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજધાની લખનૌમાં વેબ સિરીઝ 'મની હેસ્ટ' જેવી ચોરીની ઘટના સામે આવી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની દિવાલ તોડીને બદમાશોએ લોકરમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી છે.


ચોરોએ બેન્કના લોકર રૂમને ગેસ કટરથી કાપ્યા

બેન્ક બિલ્ડીંગની બીજી બાજુના ખાલી પ્લોટમાંથી દિવાલની બાજુમાં ખાડો ખોદીને ચોરો અંદર પ્રવેશ્યા અને આ પછી ચોરોએ બેન્કના લોકર રૂમને ગેસ કટરથી કાપીને આ ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગેની માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી અને સીસીટીવી ફૂટેજ કબજે કરીને કેસની તપાસ શરૂ કરી છે.

લોકરમાં રાખેલી રોકડ અને દાગીના લઈ ફરાર થયા ચોર

લખનૌ પોલીસના જણાવ્યા મુજબ મામલો ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-અયોધ્યા હાઈવે પર સ્થિત મટિયારી પોલીસ ચોકી પાસે આવેલી IOB શાખાનો છે. બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 4 ચોર બેન્કમાં પ્રવેશતા જોવા મળે છે. ઘટના બાદ તેઓ 4 લોકરમાં રાખેલી રોકડ, દાગીના અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ લઈ જતા જોવા મળ્યા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમ સાથે તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી છે.

1 વર્ષ પહેલા કાનપુરમાં પણ આ જ પેટર્નથી ચોરી થઈ હતી

તમને જણાવી દઈએ કે કાનપુરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં 1 વર્ષ પહેલા આવી જ ચોરી થઈ હતી. તે ઘટનામાં ચોરોએ બેન્કની બાજુમાં આવેલા પ્લોટમાંથી સુરંગ ખોદી બેન્કમાં પ્રવેશ કરીને કરોડો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસ પ ચોંકી ઉઠી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના ઉત્તર પ્રદેશના કેટલાક મોટા સિન્ડિકેટ તરફ ઈશારો કરે છે. હાલ પોલીસ દરેક સંભવિત એંગલથી કેસની તપાસ કરી રહી છે.

સુમસામ ગલીમાંથી આવ્યા હતા ચોર

લખનૌ પોલીસના ડીસીપી શશાંક સિંહના જણાવ્યા મુજબ રવિવારની રજા હોવાના કારણે બેન્ક મેનેજમેન્ટને મોડી માહિતી મળી હતી. ખુદ બેન્ક મેનેજમેન્ટે રવિવારે સાંજે આ ઘટનાની જાણકારી આપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોર બેન્કની પાછળની સુમસામ ગલીમાંથી આવ્યા હતા અને દિવાલ કૂદીને બેન્કની નજીકના ખાલી પ્લોટમાં પહોંચ્યા હતા. આ પછી પ્લોટની અંદર 40 મીટર ચાલ્યા પછી ચોરોએ બેન્કની દિવાલ તોડી હતી.

  • Follow us on: