- પહેલીવાર 20 કરોડ બીજી વાર 200 કરોડની માગ કરાઈ
- ધમકી બાદ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
- મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારીએ આ એફઆઇઆર દાખલ કરાવી
દેશના મોટા ઉદ્યોગપતિઓ પૈકીના એક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનારા શખ્સે બીજીવાર ઇમેલ મોકલીને 200 કરોડની ખંડણી માગી છે. પહેલા મેઇલમાં 20 કરોડની માગ કરાઇ હતી. ફરીવાર તે એકાઉન્ટ પરથી જ ઇમેલ અપાયો હતો. બીજા ઇમેલમાં કહેવાયું હતું કે તમે હજુ સુધી અમારા ઇમેલનો જવાબ આપ્યો નથી તેથી હવે તમારે 200 કરોડ આપવા પડશે. એમ નહીં કરો તો ધ્યાન રાખજો કે તમારા ડેથ વોરન્ટ પર સિગ્નેચર થઇ ગયા છે. પહેલા 27 ઓક્ટોબરે મેલ મળ્યો હતો. ધમકી બાદ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મુંબઇના ગાંવ દેવી પોલીસ સ્ટેશનમાં કલમ 387, 506(2) હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારીએ આ એફઆઇઆર દાખલ કરાવી છે. કહેવાય છે કે મુકેશ અંબાણીને ઇ-મેલ કરીને ધમકી અપાઈ છે. ધમકી આપનારો ઇ-મેલ શાદાબ ખાન નામક વ્યક્તિે મોકલ્યો છે. એફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે મુકેશ અંબાણીને ગત 27 ઓક્ટોબરના રોજ ઇ-મેલ મારફત ધમકી મળી હતી. ઇ-મેલમાં લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. સમગ્ર ભારતમાં અમારી પાસે સારા શૂટર્સ છે. પોલીસના અનુસાર ગત 27 ઓક્ટોબરે શાદાબ ખાન નામની વ્યક્તિએ ઇ-મેલ પર આ ધમકી આપી હતી. મુકેશ અંબાણીના સત્તાવાર નિવાસ સ્થાન એન્ટિલિયાના સુરક્ષા અધિકારીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીની જાણકારી અપાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.










