પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં તારીખ 24 અને 25 ફેબ્રુઆરીએ ત્રણ નવા વિક્રમો સર્જાશે. મેળા વહીવટીતંત્ર વર્ષ 2019માં તેણે સર્જેલા ત્રણ જૂના વિક્રમો તોડીને નવા વિક્રમ સર્જશે.
મહાકુંભ વહીવટીતંત્રે મહાકુંભ-2025માં ચાર નવા વિક્રમો નોંધાવવાની યોજના બનાવેલી છે. તે પૈકી નદી સ્વચ્છતા સંબંધી વિશ્વવિક્રમ તો 14 ફેબ્રુઆરીના નોંધાઈ ચૂક્યો છે. તે દિવસે 300થી વધુ સફાઇકર્મીએ એક સાથે નદીમાં સફાઈ કરીને રેકર્ડ નોંધાવ્યો હતો.
26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ સ્નાન સાથે મહાકુંભનું સમાપન થવાનું છે. તેથી મહાશિવરાત્રિ પહેલાં જ વિશ્વવિક્રમ નોંધાવવાની યોજના ઘડવામાં આવી છે. તે યોજના પ્રમાણ 24 ફેબ્રુઆરીએ સ્વચ્છતા સંબંધી વિક્રમ નોંધાવવામાં આવશે. કુંભ 2019માં 10 સફાઇકર્મીએ એક સાથે સફાઇ કામગીરી કરીને વિક્રમ નોંધાવ્યો હતો. 24 ફેબ્રુઆરીના રોજ 15 હજાર સફાઇકર્મી એકસાથે સફાઇ કરીને વિક્રમ નોંધાવશે.
તે પછી 25 ફેબ્રુઆરીએ બેન્ડ પ્રિન્ટ અને શટલ રિક્ષા સંચાલનનો રેકર્ડ પણ નોંધાવવામાં આવશે. ગંગા પંડાલ સહિતના સ્થાને કેનવાસ લગાવીને 10 હજારથી વધુ લોકોની હેન્ડ પ્રિન્ટ લેવામાં આવશે. વર્ષ 2019માં મેળા વહીવટી તંત્રે સાડાસાત હજાર લોકોની હેન્ડ પ્રિન્ટ લેવાનો વિક્રમ નોંધાવ્યો હતો.