તિરુમાલાના તિરુપતિ શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિરમાં કામ કરતા તમામ બિન-હિન્દુ કર્મચારીઓને દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને નિવૃત્તિ અથવા ટ્રાન્સફરમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. તિરુમાલાના તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તેના કર્મચારીઓને હિન્દુ પરંપરાઓનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ કર્મચારીઓ તે નિયમનું પાલન કરતા ન હતા. TTD બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડુના નેતૃત્વમાં નિયમ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યો હતો કે મંદિરમાં માત્ર હિન્દુ કર્મચારીઓ જ કામ કરી શકે છે.
TTD નો આદેશ-મંદિરના કાર્યક્રમમાં ભાગ પર પ્રતિબંધ
તપાસમાં જાણવા મળ્યું કે 18 કર્મચારીઓ બિન-હિન્દુ પરંપરાઓનું પાલન કરતા હતા. જેના કારણે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. TTD ના આદેશો હેઠળ, આ કર્મચારીઓને TTD ના મંદિરો અને સંલગ્ન વિભાગોમાંથી દૂર કરવામાં આવશે. તેમજ આ કર્મચારીઓને તિરૂમલ તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના કોઈપણ હિંદુ ઈવેન્ટ કે ફંક્શનમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત તેમને અન્ય સરકારી જગ્યા પર બદલી કે પછી સ્વૈચ્છિક રાજીનામું જ એક વિકલ્પ આપવામાં આવ્યો છે.
મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા માટે લેવાયો નિર્ણય-તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ
ટીટીડીએ તેના કર્મચારીઓને હિંદુ પરંપરાઓનું પાલન કરવાની સૂચના આપી છે જેથી તિરુપતિ મંદિર હિંદુ આસ્થા અને પવિત્રતાનું પ્રતિક બની રહે. મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે આ કર્મચારીઓને સરકારી વિભાગોમાં એડજસ્ટ કરવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દ્વારા દૂર કરવામાં આવશે. બોર્ડે કહ્યું કે આ કર્મચારીઓને બિન-હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવાથી હિન્દુ શ્રદ્ધાળુઓની ભાવનાઓ અને આસ્થાને અસર થઈ શકે છે. TTD એ તેના કર્મચારીઓને ભગવાન વેંકટેશ્વરના ચિત્ર અથવા મૂર્તિની સામે શપથ લેવા કહ્યું છે કે તેઓ હિન્દુ ધર્મના ધોરણોનું પાલન કરશે. આ નિર્ણયને કોઈ ધાર્મિક મૂંઝવણ અથવા વિવાદ તરીકે જોવો જોઈએ નહીં. ટીટીડીએ બે કર્મચારીઓની નિમણૂક કરી છે. તેઓએ સુનિશ્ચિત કરવું પડશે કે આ 18 કર્મચારીઓ મંદિર સંબંધિત કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ન લે.
મંદિર વર્ષે 500 કરોડથી વધુની રકમ બૅન્કમાં જમા કરાવે છે
તિરુપતિ વિશ્વનું સૌથી અમીર મંદિર ટ્રસ્ટ છે, એપ્રિલ 2024ના રિપોર્ટ અનુસાર, મંદિર ટ્રસ્ટે 2024માં 1161 કરોડ રૂપિયાની એફડી કરી હતી. આ અત્યાર સુધીની એફડીની સૌથી વધુ રકમ છે. આ પછી બેંકોમાં ટ્રસ્ટની કુલ FD 13287 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દેશનું આ એકમાત્ર એવું મંદિર છે જે છેલ્લા 12 વર્ષમાં દર વર્ષે 500 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમ બેંકમાં જમા કરાવે છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ વિશ્વના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંનું એક છે. તે આંધ્ર પ્રદેશના શેશાચલમ પર્વત પર આવેલું છે. ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર રાજા ટોન્ડમન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને 11મી સદીમાં રામાનુજાચાર્ય દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું.