હાલમાં તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે. પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરાતુ હોવાના આરોપને લઇને હોબાળો મચ્યો છે. આંધ્રપ્રદેશ સીએમ દ્વારા મંદિર પ્રસાદના લાડુમાં ભેળસેળ થઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઇને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે. તેવામાં આંધ્રપ્રદેશની સરકાર દ્વારા 3 મોટા નિર્ણયો લેવાયા હતા. જે મુજબ તિરુપતિ મંદિરનું શુદ્ધિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે આખો મામલો આઇજીપી સ્તરે તપાસના આદેશ આપ્યા હતા. હવે મંદિરની પ્રબંધન સમિતિમાં એવા લોકો જ રહેશે, જેમને ભગવાનમાં શ્રદ્ધા છે. આ સિવાય તમામ મંદિરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવશે, જેનું પાલન તમામ મંદિરો માટે ફરજિયાત રહેશે.
મહાશાંતિ હોમનું આયોજન
TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) એ લાડુ પ્રસાદમ વિવાદને પગલે મહા શાંતિહોમનું આયોજન કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના કાર્યકારી અધિકારી શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓ પૂજારીઓ સાથે હોમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ ભારતમાં એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે, જેનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર કરે છે. ટ્રસ્ટ મુખ્યત્વે સૌથી ધનાઢ્ય અને સૌથી વધુ મુલાકાત લેવાયેલ ધાર્મિક કેન્દ્ર, વેંકટેશ્વર મંદિર, તિરુમાલાની કામગીરી અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખે છે. તેનું મુખ્ય મથક આંધ્ર પ્રદેશમાં તિરુમાલા, તિરુપતિ ખાતે છે.
ટ્રસ્ટ પર લગાવ્યો છે આરોપ
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે અગાઉની રાજ્ય સરકાર દરમિયાન ટીટીડી બોર્ડમાં નિમણૂકો જુગાર જેવી બની ગઈ હતી અને બોર્ડમાં બિન-નિવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ઘટસ્ફોટ બાદ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. નાયડુએ કહ્યું SITની રચના IG (ઇન્સ્પેક્ટર જનરલ) સ્તર અથવા તેનાથી ઉપરના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. તે આ ઘટના પાછળના તમામ કારણો, સત્તાના દુરુપયોગની તપાસ કરશે અને સરકારને રિપોર્ટ કરશે તેમ જણાવ્યું હતું.









