બુધવારે મોડી રાત્રે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ભાગદોડ થઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, અમે બધા ભક્તોની માફી માંગીએ છીએ.


વહીવટી તંત્રની બેદરકારી- ટીટીડી અધ્યક્ષ

તિરુપતિ મંદિરમાં ભાગદોડ વહીવટની બેદરકારીને કારણે થઈ હતી તેમ ટીટીડીના અધ્યક્ષ બીઆર નાયડુએ સ્વીકાર્યું હતું. મહત્વનું છે કે બુધવારે રાત્રે તિરુપતિ મંદિરમાં એકાદશીના દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી. જ્યારે પણ ભક્તો મંદિરમાં જાય છે, ત્યારે દરેક વ્યક્તિ દર્શન કરવા માંગે છે, જેના કારણે લોકો મંદિરમાં દર્શન કરવા માટે ટોકન મેળવવા માટે લાંબી કતારમાં ઉભા હતા.

ટોકન લેવા ઉભા હતા લાઇનમાં

મળતી માહિતી મુજબ ટોકન મેળવવા માટે લગભગ 4000 લોકો લાઇનમાં ઉભા હતા અને ટોકન આપવા માટે ફક્ત 91 કાઉન્ટર જ ઉભા કરવામાં આવ્યા હતા. થોડી જ વારમાં ભીડ બેકાબૂ થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આ ભીડમાં સ્ત્રીઓ, વૃદ્ધો, બધા જ સામેલ હતા. લોકોને પટ્ટીડા પાર્ક જવાની સૂચના આપવામાં આવી હતી અને પટ્ટીડા જતી વખતે નાસભાગ મચી ગઈ. લોકો એકબીજા પર ચઢી ગયા અને 6 લોકો મૃત્યુ પામ્યા.

ટીટીડીએ માફી માંગી

આ અંગે ટીટીડી બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, મંદિરમાં એકાદશી દર્શન માટે ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, આ માટે અમે 91 કાઉન્ટર ખોલ્યા હતા. ભાગદોડ થઈ તે ખૂબ જ દુઃખદ છે. આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. અમે દરેકને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આજ સુધી ટીટીડીના ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. હું બધા ભક્તોની માફી માંગુ છું.


મુખ્યમંત્રી મળવા જશે ઇજાગ્રસ્તોને

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આજે સવારે ઇજાગ્રસ્તોને મળવા જશે. આ અકસ્માત બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી અને કહ્યું કે તેઓ આ અકસ્માતથી ચોંકી ગયા છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાની માહિતીને ધ્યાનમાં રાખીને, મેં વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે દોડી જવા સૂચના આપી છે જેથી ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડી શકાય. હું સમયાંતરે જિલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યો છું.


  • Follow us on: