• કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતાં પીએમએ દેશને શુભેચ્છા પાઠવી

  • 108નો આંકડો આસ્થા સાથે જોડાયેલો છે તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ વધુ ખાસ
  • વિકસિત ભારતની ભાવનાથી આત્મનિર્ભરતાની ભાવનાથી ઓતપ્રોત છે

કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતાં પીએમએ દેશવાસીઓને 2024ની શુભેચ્છા પાઠવી હતી. વર્ષના આખરી મન કી બાત કાર્યક્રમમાં બોલતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પોતાના પરિવારના લોકોને મળીને જેવું લાગે તેવું જ મને આપ લોકોને આ રેડિયો કાર્યક્રમ મારફત વાત કરીને લાગે છે. તેમણે જણાવ્યું હતું કે 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી ખાસ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે દેશનો ખૂણેખૂણો આત્મવિશ્વાસથી છલકાય છે. વિકસિત ભારતની ભાવનાથી આત્મનિર્ભરતાની ભાવનાથી ઓતપ્રોત છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે 2024માં પણ આપણે આ ભાવનાને જાળવી રાખવાની છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે આપણી સામૂહિક યાત્રાનો 108મો એપિસોડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ છે. તેની પવિત્રતા એક ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ... 108નો આ આંકડો અસિમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે. આ 108 એપિસોડમાં આપણે જનભાગીદારીના અનેક ઉદાહરણો જોયા છે.

સાવિત્રીબાઇ ફુલેને યાદ કર્યાં

વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણા દેશમાં દરેક કાળખંડને આપણી વિલક્ષણ દીકરીઓએ ગૌરવથી ભરી દીધા છે. સાવિત્રીબાઇ ફુલે અને રાણી વેલુ નાચિયારજી પણ એવી વિભૂતિઓ છે. સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ વિરલાઓ જ દેખાડી શકે. વડાપ્રધાને ઝારખંડના એક આદિવાસી ગામનું ઉદાહરણ આપ્યું હતું જેમાં અરવિંદ ઉરાંવનામના એક વ્યક્તિએ આદિવાસી બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ આપવા આગવી શાળાનો આરંભ કર્યો છે અને માતૃભાષામાં શીખવાના કારણે બાળકોની શીખવાની ગતિ પણ તેજ થઇ ગઇ હતી.

ફિટનેસ પર સેલિબ્રિટીઝના મંતવ્ય શેર કર્યા

વડાપ્રધાને મન કી બાતમાં ભારતીય ક્રિકેટર હરમનપ્રિત કૌર અને ફીટ અભિનેતા અક્ષય કુમારના ફિટનેસ અંગેના મંતવ્ય શેર કર્યા હતાં. અને યુવાનો માટે ફિટનેસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જ્યારે કૌરે કરસર અને આરામ સાથે શિસ્તબદ્ધતાનો આગ્રહ કર્યો હતો ત્યારે અક્ષય કુમારે ડોક્ટર્સની સલાહ લઇને લાઇફ સ્ટાઇલ બદલવા પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાને ગુજરાતની ડાયરાની પરંપરાને યાદ કરી

વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. હજારો લોકો રાતભર ડાયરામાં સામેલ થઇને મનોરંજનની સાથોસાથ જ્ઞાન મેળવે છે. આ ડાયરામાં લોકસંગીત, લોક સાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ હોય છે. વડાપ્રધાને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને યાદ કરી તેમણે આપેલાં સામાજિક કાર્યના પ્રદાનને બિરદાવ્યું હતું.


  • Follow us on: