મંગળવારે ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં લગભગ 400 ઉગ્રવાદીઓ CM માણિક સાહા સમક્ષ તેમના શસ્ત્રો શરણાગત કરશે. આ તમામ ઉગ્રવાદીઓ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF)ના સભ્યો છે.
ગૃહ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, NLFT અને ATTFના લગભગ 400 ઉગ્રવાદીઓ જંપુજાલામાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સ (TSR)ની 7મી બટાલિયનના મુખ્યાલયમાં મુખ્યમંત્રી સમક્ષ શરણાગત થશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પ્રતિબંધિત જૂથોના તમામ નેતાઓ કાયમી શાંતિનો માર્ગ મોકળો કરવા માટે તેમના હથિયારો નીચે મૂકશે. તેમણે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આત્મસમર્પણ કર્યું.
આ અંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું હતું કે, 'ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ વચ્ચેના કરાર પર હસ્તાક્ષર સાથે ત્રિપુરાએ શાંતિ અને સમૃદ્ધિ તરફ વધુ એક પગલું ભર્યું છે. '
35 વર્ષ લાંબા વિદ્રોહનો અંત
આ સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે, ત્રિપુરામાં લગભગ 35 વર્ષથી ચાલી રહેલા વિદ્રોહનો આ અંત છે. તેમણે આ સમજૂતીને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને ઉત્તર-પૂર્વમાં, ખાસ કરીને ત્રિપુરામાં શાંતિ જાળવવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો. NLFT અને ATTFના 10 સભ્યોના પ્રતિનિધિમંડળે તેમાં ભાગ લીધો હતો. NLFT (BM) જૂથના વડા બિસ્વા મોહન દેબબર્મા અને તેના ઉપપ્રમુખ ઉપેન્દ્ર રેઆંગે NLFT વતી હસ્તાક્ષર કર્યા. એલેન્દ્ર રેઆંગે ATTF માટે હસ્તાક્ષર કર્યા.
હજારો લોકો બેઘર
નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, બંને જૂથોએ 1990ના દાયકાથી બે દાયકા સુધી રાજ્યમાં તબાહી મચાવી હતી. બળવાને કારણે હજારો લોકો, ખાસ કરીને બિન-આદિવાસી લોકો ઘરવિહોણા થઈ ગયા. કેન્દ્રએ બંને સંગઠનોના આતંકવાદીઓના પુનર્વસન માટે 250 કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી છે. બંને સંગઠન લાંબા સમયથી ત્રિપુરામાં સક્રિય હતા અને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા, પરંતુ હવે બંને સંગઠનોએ હિંસાનો માર્ગ છોડીને વાતચીતનો માર્ગ પસંદ કર્યો છે. તેનાથી ત્રિપુરામાં શાંતિ સ્થપાશે અને બહારી શક્તિઓને પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે.