બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થતા અત્યાચાર અને ભારતીય ધ્વજ પ્રત્યેના અનાદરને કારણે અગરતલા અને કોલકાતાની બે હોસ્પિટલોએ બાંગ્લાદેશી નાગરિકોની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શનિવારે અગરતલાની ILS હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તે હવે બાંગ્લાદેશી દર્દીઓની સારવાર કરશે નહીં. આ હોસ્પિટલ બાંગ્લાદેશી દર્દીઓ માટે ખૂબ જ લોકપ્રિય હતી કારણ કે તે સુવિધાજનક અને સસ્તી હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ નિર્ણય
મીડિયા રિપોર્ટ મુજબ ILS હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગૌતમ હજારિકાએ કહ્યું કે 'અમે બાંગ્લાદેશના લોકોની મેડિકલ સેવાઓને સ્થગિત કરવાની માગનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. હોસ્પિટલોમાં અમારી ચેકપોસ્ટ અને મદદ કેન્દ્રો આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પહેલા શુક્રવારે કોલકાતાની જેએન રે હોસ્પિટલે પણ આવો જ નિર્ણય લીધો હતો. આ હોસ્પિટલોએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચાર અને ભારતીય ધ્વજના અપમાનનો ઉલ્લેખ કર્યો હતો.
કોલકાતાની હોસ્પિટલમાં પણ બાંગ્લાદેશીઓની સારવાર બંધ
અગરતલા હોસ્પિટલની બહાર વિરોધ કરી રહેલા એક જૂથે બાંગ્લાદેશી નાગરિકોને સેવાઓ બંધ કરવાની માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે 'ભારતીય ધ્વજનું અપમાન અને લઘુમતીઓ પર હુમલા અસ્વીકાર્ય છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ આપણા રાષ્ટ્રધ્વજનો અનાદર શીખવી રહ્યા છે.
જેએન રે હોસ્પિટલના અધિકારી સુભ્રાંશુ ભક્તાએ કહ્યું કે 'અમે બાંગ્લાદેશી દર્દીઓની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે, ભારતે બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ તેમ છતાં અમે ત્યાંથી ભારત વિરોધી ભાવનાઓનો સામનો કરી રહ્યા છીએ.'