- ટ્રૂડોએ ભારત વિરુદ્ધ ફરી ઝેર ઓક્યું,તપાસ પંચે સરકાર પાસેથી વિગતો માગી
- ભારત-કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસે તેવી સંભાવના, આગામી સપ્તાહે જાહેર સુનાવણી
- તપાસ પંચે આ સંબંધમાં ટ્રૂડો સરકાર પાસેથી વિગતો માગી છે
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારત જવાબદાર હોવાના કેનેડાના વાહિયાત આક્ષેપ બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસેલા છે ત્યાં કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે ત્યાંની ચૂંટણીમાં ચીન તથા રશિયાની સાથોસાથ ભારતે પણ હસ્તક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું છે. તપાસ પંચે આ સંબંધમાં ટ્રૂડો સરકાર પાસેથી વિગતો માગી છે. કેનેડાની ચૂંટણીમાં ભારત દ્વારા હસ્તક્ષેપના ટ્રૂડોના આક્ષેપોના પગલે ભારત-કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસે તેવી સંભાવના છે. ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપને મુદ્દે તપાસ કરવા રચાયેલી જાહેર સમિતિ કેનેડામાં યોજાયેલી છેલ્લી બે સામાન્ય ચૂંટણીમાં ભારતના હસ્તક્ષેપ સંબંધમાં થઇ રહેલા આક્ષેપોની પણ તપાસ કરશે. ગયા વર્ષે એક ગોપનીય દસ્તાવેજ મીડિયામાં લીક થઇ ગયા પછી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપને મુદ્દે તપાસ કરવા માટે પંચની રચના કરી હતી. લીક થયેલા દસ્તાવેજમાં દાવા થયા હતા કે ચીનની શી જિનપિંગ સરકારને અનુકૂળ હોય તેવા ઉમેદવારને સમર્થન જારી કરીને ચીને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. પંચને કેનેડામાં વર્ષ 2019 અને 2021માં યોજાયેલી ચૂંટણી દરમિયાન ચીન, રશિયા તથા અન્ય દેશો દ્વારા થયેલા હસ્તક્ષેપને મુદ્દે તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. ચીન અને રશિયાને બાદ કરતાં અન્ય કોઇ દેશના નામનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, પરંતુ કેનેડાના એનએસએ દ્વારા ભારત અને ઇરાન સહિતના અન્ય દેશો તરફ પણ આંગળી ચીંધવામાં આવી હતી. તપાસ પંચે બુધવારે એ વાતને સમર્થન આપ્યું હતું કે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપને મુદ્દે ભારત સરકારની ભૂમિકાની પણ તપાસ થશે. સમિતિએ જારી કરેલી વિગતોમાં વધુ જાણકારી આપવામાં નહોતી આવી. નોંધનીય છે કે ગત સપ્ટેમ્બરમાં ટ્રુડોએ કેનેડાની ભૂમિ પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યાના કેસમાં ભારતની ભૂમિકા હોવાના આક્ષેપ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું. તે કેસમાં બુકાનીધારી હુમલાખોરે નિજ્જરની હત્યા કરી હતી. નિજ્જર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપતો હોવાથી ભારત દ્વારા તેને ત્રાસવાદી જાહેર કરેલો હતો. આ આક્ષેપોએ પણ ભારત-કેનેડા રાજદ્વારી સંબંધોને પ્રભાવિત કર્યા હતા.
તપાસ પંચ શું કામગીરી કરશે?










