ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3જી નવેમ્બરે ઝારખંડ પહોંચ્યા હતા. રેલીમાં ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે, જો ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ કરવામાં આવશે. રાજ્યમાં UCCના દાયરામાં આદિવાસી સમુદાયનો સમાવેશ કરવામાં આવશે નહીં. રાજ્યમાં UCCના મુદ્દા પર તેમની પ્રતિક્રિયા સ્પષ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, આદિવાસી સમુદાયના લોકો તેના દાયરાની બહાર રહેશે.
ઝારખંડ સરકારે કરી રહેલ આ પ્રચાર સંપૂર્ણપણે પાયાવિહોણો
અમિત શાહે કહ્યું કે, જેએમએમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખોટા પ્રચાર પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ. આદિવાસી સમુદાયના લોકોને પણ UCCમાં સામેલ કરવામાં આવશે તેવી તેમના દ્વારા ફેલાવવામાં આવી રહેલી માહિતી સંપૂર્ણપણે ખોટી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ આદિવાસી સમુદાયના લોકોની સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને તેને અસર થશે નહીં. ઝારખંડ સરકાર દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રચાર સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
તમારા પરિવાર સિવાય બીજા કોનું સારું કર્યું?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ઝારખંડની નવી સરકારને ચૂંટવા માટે ચતરાના તમામ મતદારોએ તેમની મતદાન શક્તિનો ઉપયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે, હેમંત સોરેનની સરકાર દલિત વિરોધી છે. એટલું જ નહીં, આ સરકાર ખાસ કરીને યુવા વિરોધી છે. તેમણે કહ્યું કે, હું ઝારખંડમાં સોરેન બાબુને પૂછવા આવ્યો છું કે છેલ્લા 5 વર્ષમાં તેમણે પોતાના પરિવાર સિવાય કયા ગરીબોની સંભાળ લીધી છે?
ઓપરેશન સુરક્ષાની જાહેરાત કરાઈ
ગૃહમંત્રીએ ઓપરેશન સુરક્ષાની પણ જાહેરાત કરી હતી. આ અંતર્ગત 2027 સુધીમાં ઝારખંડમાં માનવ તસ્કરીને ખતમ કરવાનું કહેવામાં આવ્યું છે. જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો આગામી બે વર્ષમાં રાજ્યમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનું વચન પણ તેમણે આપ્યું છે.
ગરીબને મદદ કરી હોય તો તેમની યાદી આપો
રેલીને સંબોધતા ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં તેમણે કોઈ ગરીબને મદદ કરી હોય તો તેમની યાદી સાથે અમારી પાસે આવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અંગે જણાવતા કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દેશના ગરીબ લોકોને મફતમાં આવાસ, વીજળી કનેક્શન, ગેસ સિલિન્ડર, શૌચાલય અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવી છે.









