સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. જ્યારે ભારતે ફરીથી યુએનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાકિસ્તાનને પણ અરીસો બતાવ્યો.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની મળી હતી બેઠક
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58મા સત્રની સાતમી બેઠકમાં ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ઉલ્લેખોનો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના કહેવાતા નેતાઓ અને પ્રતિનિધિઓ કાશ્મીર વિશે મોટા પાયે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમોની મજાક ઉડાવી રહ્યું છે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે.
ભારતે પાકિસ્તાનને સંભળાવી દીધુ
તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં થયેલી અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ પોતે જ ઘણું બધું કહી જાય છે. આ સફળતાઓ દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત પ્રદેશમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે.
ભારતે કહ્યું કે એક દેશ (પાકિસ્તાન) તરીકે જ્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન, લઘુમતીઓ પર જુલમ અને લોકશાહી મૂલ્યોનું પતન તેની નીતિઓનો ભાગ છે અને જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને ખુલ્લેઆમ આશ્રય આપે છે તે કોઈને પણ ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી.
પાકિસ્તાને કંઇક શીખવુ જોઇએ- ભારત
વાણી-વર્તનમાંથી દંભ અને શાસનમાં અસમર્થતાની ગંધ આવે છે. ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, પાકિસ્તાને પોતાના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પરિષદનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે પોતે અસ્થિરતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે ભારતનું ધ્યાન લોકશાહી, વિકાસ અને તેના લોકો માટે આદર સુનિશ્ચિત કરવા પર છે. આ એવા મૂલ્યો છે જેમાંથી પાકિસ્તાને કંઈક શીખવું જોઈએ.
તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સરકારના પ્રતિનિધિ આઝમ નઝીર તરારે કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.










