- આજે દિલ્હીમાં નીતિ આયોગની મળી બેઠક
- બેઠકમાં બોલવા ન દીધા હોવાનો મમતા બેનર્જીનો આરોપ
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોપો અંગે કરી સ્પષ્ટતા
દિલ્હીમાં આજે નીતિ આયોગની બેઠક મળી હતી. બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. જો કે ઇન્ડિ ગઠબંધનમાંથી માત્ર મમતા બેનર્જી જ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે મમતા બેનર્જી અધવચ્ચેથી બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા. બહાર આવીને તેમણે મીડિયા સમક્ષ એવો આરોપ લગાવ્યો હતો કે તેમને બોલવા માટે સમય ન અપાયો તેમજ માઇક પણ બંધ કરી દીધું. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.
માઇક બંધ કરી દીધુ તે ખોટી વાત
મમતા બેનર્જીના આરોપો અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સીએમ મમતા બેનર્જીએ બેઠકમાં ભાગ લીધો. અમે બધાએ તેમને સાંભળ્યા. દરેક મુખ્યમંત્રીને પુરતો સમય ફાળવવામાં આવ્યો હતો. દરેક ટેબલની સામે સ્ક્રિન પર ટાઇમ શૉ કરવામાં આવ્યો હતો. તેમણે મીડિયામાં કહ્યું કે માઇક બંધ કરી દીધું હતું. પરંતુ આ તદ્દન ખોટી વાત છે. દરેક સીએમને બોલવા માટે નિર્ધારિત સમય આપવામાં આવ્યો હતો. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળના સીએમ દાવો કરી રહ્યા છે કે માઇક બંધ કરી દેવામાં આવ્યુ. તેમણે ખોટી કથાનું નિર્માણ કરવાને બદલે સાચુ બોલવુ જોઇએ.
શું છે મમતા બેનર્જીના આરોપો?
દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ત્રણ વર્ષથી અમારું 100 દિવસનું કામ (મનરેગા) બંધ હતું, આવાસ યોજના બંધ થઈ ગઈ હતી. આવી રીતે કોઈ સરકાર ચાલતી નથી. તમે તમારા પક્ષ અને અન્ય પક્ષ વચ્ચે ભેદભાવ કરી શકો નહી. તમે કેન્દ્રમાં સત્તા પર છો. તમારે દરેકનું ધ્યાન રાખવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે હું બોલવા માંગતી હતો પરંતુ મને માત્ર પાંચ મિનિટ બોલવા દેવામાં આવી. મારી સામે જેઓ બોલ્યા તેઓ 10-20 મિનિટ બોલ્યા. આ બેઠકમાં વિપક્ષ તરફથી મેં એકલાએ ભાગ લીધો હતો. પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવી નહી તે અપમાનજનક છે.
[[$googlead]]









