- રાયબરેલીથી રાહુલ ગાંધીએ ભર્યુ ઉમેદવારી ફોર્મ
- અમિત શાહે કર્ણાટકની જનસભામાં કોંગ્રેસની લીધી આડેહાથ
- કહ્યું રાયબરેલીથી મોટા માર્જિન સાથે કોંગ્રેસ હારશે
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે આ વખતે અમેઠી અને રાયબરેલી બેઠક પર માત્ર એક જ બેઠક પર ગાંધી પરિવારના ઉમેદવારે મેદાને ઉતાર્યો છે. અમેઠી અને રાયબરેલી એ કોંગ્રેસનું ગઢ ગણાતી બેઠકો છે. જો કે અમેઠી બેઠક પર સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હરાવી ચૂક્યા છે અને વધુ એક વખત સ્મૃતિ ઇરાની આ બેઠક પર મેદાને છે. પરંતુ રાહુલ ગાંધી અમેઠી નહી પણ રાયબરેલીથી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે અમિત શાહે શું કહ્યું આવો જાણીએ.
રાહુલ બાબાનું એક પણ લોન્ચિંગ સફળ નહી- અમિત શાહ
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. બીજેપી દ્વારા વિવિધ રાજ્યોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ચિક્કોડીમાં ચૂંટણી રેલી સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પર ઉમેદવાર બનાવવા અંગે કહ્યું કે સોનિયા ગાંધીએ 20 વખત 'રાહુલ બાબા' લોન્ચ કર્યા પરંતુ એક પણ લોન્ચિંગ સફળ થયું નથી. હવે તેઓ અમેઠીથી ભાગી ગયા છે. મહત્વનું છે કે રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું પરંતુ અમિત શાહે આડેહાથ લેતા જણાવ્યું કે 'રાહુલ બાબા' રાયબરેલીમાં ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સામે ભારે માર્જિનથી હારી જશે.
રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવી જોઈતી હતી
કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય કૃષ્ણમની આ મુદે પ્રતિક્રિયા આવી છે. આચાર્ય કૃષ્ણમ જણાવે છે કે મે પહેલા જ કહ્યુ હતુ કે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટણી લડવા દેશે નહીં. પરિવારમાં મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ પાર્ટી છે. પ્રિયંકા પાર્ટી અને પરિવાર વચ્ચે જે ષડયંત્ર ચાલી રહ્યા છે તેનો શિકાર છે. રાહુલ ગાંધી જો અમેઠીથી ચૂંટણી નહોતા લડવાના તો તેઓએ વારાણસીથી PM મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવી જોઇતી હતી.









