• જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં રાજનાથ સિંહનો પ્રચંડ ચૂંટણી પ્રચાર
  • "કલમ 370 નાબૂદ, રામ મંદિર અને CAA સહિતના વચનો પૂરા કર્યા"
  • કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર

જમ્મૂ-કાશ્મીરમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે દેશમાં રામ રાજ્યની શરૂઆત થઇ ગઇ છે, અને તેને સાકાર થતાં કોઈ રોકી શકશે નહીં. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સિંહના સમર્થનમાં કઠુઆના બસોહલીમાં આયોજિત જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, કલમ 370 નાબૂદ, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને CAAના અમલ જેવા વચનો ભાજપે પૂરા કર્યા છે.

'UCCનો અમલ કરવાનું વચન પાળશે'

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપ સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશમાં જનસેવા માટે કાર્ય કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકોને ખાતરી આપી હતી કે, CAA લાગુ થયા પછી કોઈપણ ભારતીય નાગરિક તેની નાગરિકતા ગુમાવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આગામી પાંચ વર્ષમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાનું વચન પાળશે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "અમે સરકાર બનાવીએ કે ન બનાવીએ, મહિલાઓની ગરિમા અને સન્માન પર હુમલો અમને સ્વીકાર્ય નથી.

'ભારતમાં રામ રાજ્ય શરૂ થયું છે'

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે, “મને લાગે છે કે દેશમાં રામ રાજ્યની સ્થાપના શરૂ થઈ ગઈ છે અને તેને સાકાર થતાં કોઈ રોકી શકશે નહીં. રામ રાજ્યનો અર્થ એ છે કે લોકોને તેમની ફરજો પ્રત્યે જાગૃતિ અને સમજ હોવી જોઈએ. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકોમાં હકની ભાવના શરૂ થાય છે.'' કઠુઆ જિલ્લો ઉધમપુર સંસદીય મતવિસ્તારનો ભાગ છે જ્યાં 19 એપ્રિલે સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે દેશમાં એવી સ્થિતિ ઉભી થઈ રહી છે જ્યાં લોકો તેમની ફરજો સમજી રહ્યા છે. તેમણે કહ્યું, “જ્યારે સરકારમાં બેઠેલા લોકો પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવશે તો ધીમે ધીમે લોકોમાં પણ જાગૃતિ આવશે. અમે સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશ માટે રાજનીતિ કરી રહ્યા છીએ.

  • Follow us on: