ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની સુહેલ ગાર્ડન કોલોનીમાં એક જ પરિવારના 5 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં પતિ, પત્ની અને 3 માસૂમ દીકરીઓનો સમાવેશ થાય છે.
છોકરીઓના મૃતદેહને કોથળામાં બાંધીને પલંગના બોક્સમાં છુપાવી દીધા
હત્યા બાદ મૃતદેહોને ઘરની અંદર છુપાવી દેવામાં આવ્યા, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે. મૃતકોમાં મોઈન (પતિ), અસ્મા (પત્ની) અને તેમની ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે. પતિ, પત્ની અને બાળકોની હત્યા કર્યા પછી આરોપીઓએ છોકરીઓના મૃતદેહને કોથળામાં બાંધીને પલંગના બોક્સમાં છુપાવી દીધા. ઘરવખરીની વસ્તુઓ વેરવિખેર મળી આવી , જેના કારણે લૂંટની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘરનો દરવાજો બળજબરીથી તોડી નાખવામાં આવ્યો
ગુરુવારે સાંજે મોઈનનો ભાઈ સલીમ તેના ઘરે પહોંચ્યો ત્યારે હત્યાનો ખુલાસો થયો છે. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પાડોશીઓની પૂછપરછ કર્યા પછી દરવાજો બળજબરીથી તોડી નાખવામાં આવ્યો. અંદર, મોઈન અને અસ્માના મૃતદેહ ફ્લોર પર પડેલા મળી આવ્યા, જ્યારે છોકરીઓના મૃતદેહ બોક્સમાં રાખવામાં આવ્યા હતા.
SSPએ ઘટનાસ્થળની તપાસ કરી
માહિતી મળતા જ SSP વિપિન ટાડા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ક્રાઈમ બ્રાન્ચ, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસ ઘરની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને કોઈને પણ ઘરની નજીક આવવાની મંજૂરી નથી.
વારાણસીમાં પણ આવો જ હત્યાકાંડ થયો હતો
તમને જણાવી દઈએ કે અગાઉ મેરઠ પહેલા, વારાણસીમાં પણ નવેમ્બર 2024માં એક પરિવારના 5 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આમાં પતિ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, પત્ની નીતુ અને ત્રણ બાળકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. શંકાના આધારે પોલીસે મૃતકના ભત્રીજા વિશાલ પર આરોપ લગાવ્યો હતો, પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
સામૂહિક હત્યાઓમાં વધારો
ઉત્તર પ્રદેશમાં આવી જઘન્ય હત્યાઓની વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય છે. મેરઠની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ આ હત્યા કેસને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. નવા વર્ષના બે દિવસ પહેલા જ રાજધાની લખનૌમાં એક પિતા અને પુત્રએ મળીને એક માતા અને તેની ચાર પુત્રીઓની હત્યા કરી દીધી.













