પ્રાણીઓની પારખવાની ક્ષમતા માણસો કરતા પણ વધારે હોય છે. હિંદુ ધર્મમાં જીવ ત્યાં શિવ એવુ માનવામાં આવે છે. ત્યારે યુપીમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાનરના ઝુંડે 6 વર્ષની બાળકીને દુષ્કર્મથી બચાવી છે. જાણીને નવાઇ લાગે પરંતુ આ સત્ય વાત છે. યુપીના એક ગામની કે જ્યાં એક આરોપી બાળકીને ફોસલાવીને તેની સાથે ટાવર પર લઇ ગયો હતો. આ વચ્ચે વાનરોનું ઝુંડ ત્યાં પહોંચી ગયું પછી શું થયુ આવો જાણીએ..
નરાધમ તો ભાગ્યો
યુપીના બાગપતની આ ઘટના છે. જ્યાં 6 વર્ષની બાળકીને નરાધમ ફોસલાવીને એક ટાવર પર લઇ ગયો હતો. આ સમયે જ વાનરોનું ટોળુ ત્યાં પહોંચી ગયું.. મોટી સંખ્યામાં વાનરોને જોઇને નરાધમ ડરી ગયો ત્યાંથી બાળકીને મૂકીને ફરાર થઇ ગયો. ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી બાળકીને લઇને જતો હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે.
ને પહોચી ગઇ વાનર સેના
આ ઘટના સિંઘાવલી આહિર વિસ્તારના ડોલા ગામમાં બની હતી. જ્યાં 19 સપ્ટેમ્બરના રોજ સવારે છ વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે એક અજાણ્યો યુવક આવ્યો અને બાળકીને ભગાડીને તેની સાથે લઈ ગયો. આરોપી તેને પહેલા મસ્જિદમાં લઇ ગયો અને પછી મહેલના ટાવર પર લઈ ગયો. તેણીને ટાવર પર લઈ ગયા પછી નરાધમ ખોટુ કૃત્ય કરવા જઇ રહ્યો હતો તે સમયે જ ઝાડ પર વાનરોનું ઝૂંડ હતુ તે ત્યાં આવી પહોંચ્યું. વાંદરાઓને જોઈને આરોપી ખૂબ જ ડરી ગયો અને સ્થળ પરથી ભાગી ગયો.
પોલીસે આરોપીની શોધખોળ કરી તેજ
બાળકીને ઘરે પહોંચીને પરિવારને જાણ કરી. આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે કોઇને આ વાત કહેશે તો તેના માતા પિતાને મારી નાંખશે. જે બાદ પરિવાર યુવતીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે સીસીટીવીના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને આરોપીને શોધવા વધુ તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે સિંઘવલી આહિર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવદત્તે જણાવ્યું કે દૌલા ગામના એક વ્યક્તિએ એક અજાણ્યા યુવક પર તેની છ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સીસીટીવીના આધારે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. આરોપીઓને શોધવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.