તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી મળવાના સમાચાર દેશભરમાં વાયરલ થઈ રહ્યા છે. તિરુપતિ બાલાજી બાદ હવે ઘણા મંદિરોમાં પ્રસાદની તપાસ થવા લાગી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ડિમ્પલ યાદવે પણ મથુરા-વૃંદાવનથી પ્રસાદ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, મથુરા વૃંદાવનના પ્રસાદમાં પણ ભેળસેળ છે. આની પણ તપાસ થવી જોઈએ. તેમણે યોગી સરકાર પાસે પ્રસાદમાં મેળવવામાં આવતા ખોયાની તપાસ કરવાની માગ કરી છે. ડિમ્પલનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.
ડિમ્પલ યાદવે મંદિરના પ્રસાદ બાબતે આપ્યું નિવેદન
તિરુપતિ મંદિરના લાડુ વિવાદ અંગે વાત કરતા ડિમ્પલ યાદવે કહ્યું કે, મારા મતે આ ખાદ્ય ભેળસેળ વિભાગની નિષ્ફળતા છે. આ લોકો સમજી શક્યા નહીં. આ પ્રકારની ભેળસેળ માત્ર મંદિરોમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોના ભોજનમાં પણ થાય છે. તિરુપતિનો મામલો બહુ નાજુક છે. આ બાબત આપણી આસ્થા સાથે જોડાયેલી છે. આ માટે તપાસ થવી જોઈએ. અમે વૃંદાવનમાં પણ આવી જ વાત સાંભળીએ છીએ, જ્યાં યોગ્ય પ્રકારના ખોયાનો ઉપયોગ થતો નથી, તે પણ ભેળસેળયુક્ત છે. તેથી સરકારે આ અંગે સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરવું જોઈએ. મંદિરના પ્રસાદની સાથે સામાન્ય માણસના ભોજનની પણ તપાસ કરવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ રેડ્ડી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. લેબ રિપોર્ટના આધારે તેણે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરમાં ઉપલબ્ધ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. દેશભરના સંતો-મહંતો આ અંગે તપાસની માંગ કરી રહ્યા છે. લખનૌના મનકામેશ્વર મંદિરે પણ બહારના પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભક્તોમાં રોષની લાગણી
આંધ્રપ્રદેશનું સુપ્રસિદ્ધ તિરુમાલા મંદિરનો ભેળસેળ યુક્ત લાડુનો વિવાદ વકર્યો છે. ભક્તોની આસ્થાને ધક્કો લાગ્યો છે. બીફ અને માછલીના તેલનો ઉપયોગ લાડુ બનાવવા કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.નેશનલ ડેરી ડેવલપમેન્ટના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ત જેને લઇને ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સાધુ સંત સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.









