હોળી અને જુમ્માની નમાજ આજે એકસાથે છે. ત્યારે યુપીના સંભલમાં તો સ્થિતિ એવી છે કે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. 2.30 વાગ્યા પછી જુમ્માની નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારે સંભલમાં તણાવ વચ્ચે હોળી અને શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. હોળીની શોભાયાત્રા પણ નીકળી હતી. હોળી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સંભલના સીઓ અનુજ ચૌધરીનું નિવેદન બહાર આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા અનુજ ચૌધરીએ કહ્યું કે દરેક વ્યક્તિએ ખૂબ જ પ્રેમથી હોળીની ઉજવણી કરી અને ક્યાંયથી કોઈ ફરિયાદ આવી નથી.

શાંતિપૂર્ણ સ્થિતિ 

શુક્રવારની નમાજ વિશે વાત કરતાં અનુજ ચૌધરીએ કહ્યું કે લોકો આરામથી નમાજ માટે જઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સંભલમાં હોળીને લઈને તણાવના અહેવાલો આવી રહ્યા હતા, ત્યારબાદ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સંભલમાં RAF અને PAC તૈનાત કરવામાં આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ પણ શહેરમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા.


મસ્જિદની નજીકથી જ નીકળી શોભાયાત્રા 
સંભલમાં ઘણા દિવસોથી ચાલી રહેલા પોલીસ પેટ્રોલિંગ અંગે અનુજ ચૌધરીએ કહ્યું કે તે અમારું કામ હતું અને અમે તે કર્યું. જામા મસ્જિદ નજીકથી કાઢવામાં આવેલા હોળીના શોભાયાત્રા અંગે તેમણે કહ્યું કે મસ્જિદની પાછળથી ખૂબ જ મોટી શોભાયાત્રા નીકળી હતી. જેમાં લગભગ 3 હજાર લોકોએ ભાગ લીધો હતો. અનુજે જણાવ્યું કે બધું જ સરળતાથી ચાલ્યું અને ક્યાંયથી કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી.


નવેમ્બરમાં થઇ હતી હિંસા

મહત્વનું છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે એક ટીમ મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચી હતી ત્યારે સંભલમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સર્વે ટીમ કોઈપણ સૂચના કે પરવાનગી વિના આવી હતી. અથડામણ દરમિયામન લગભગ 5 થી 6 લોકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા હતા. ત્યારથી સંભલમાં વાતાવરણ તંગ હતું અને વહીવટીતંત્ર હોળીને લઈને હાઈ એલર્ટ પર હતું.
  • Follow us on: