ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીયોનો આ પ્રથમ દેશનિકાલ છે. યુએસથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પ્રથમ સમૂહ બુધવારે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ C-17માં 13 બાળકો સહિત 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સવાર હતા. જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ છે. મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના છે,
અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ C-17 પંજાબ એરપોર્ટ પહોંચ્યું
પ્રાપ્ત માહિતી મુજબ પ્લેનમાં અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ C-17માં 13 બાળકો સહિત 104 લોકો શામેલ હતા. જેમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, યુપીના 3 અને ચંદીગઢના 2 નાગરિકો છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ સૈન્ય વિમાન C-17 205 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇ જતું હતું. અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સૈન્ય વિમાનમાં લગભગ 205 જેટલા ભારતીયો સવાર હતા, પરંતુ બાદમાં પુષ્ટિ થઈ કે માત્ર 104 લોકો જ સવાર હતા. હજી પણ દેશનિકાલ કરાયેલા લોકોની સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા
આ પહેલા અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ C-17એ ટેક્સાસના સેન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી. આજે આ પ્લેન બપોરે 1.59 કલાકે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ભારતીય નાગરિકોને આવકારવા માટે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ઉપરાંત એરપોર્ટ પર યુએસ એમ્બેસીના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો સંયુક્ત પરીક્ષા કરી રહ્યા છે. દેશનિકાલ કે જેમની પાસે કોઈ ગુનાહિત પૂર્વવર્તી અને રેકોર્ડ નથી તેમને તરત જ જવાની મંજૂરી આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરત મોકલવામાં આવેલા મોટાભાગના લોકો યુએસ-મેક્સિકો બોર્ડર પર પકડાયા છે. જોકે આ લોકો ભારતમાં ગુનેગાર નથી. આ લોકોએ દેશ છોડવા માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. જો કે, આરોપ છે કે તેણે ગેરકાયદેસર ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.