યુપીના ફતેહપુર જિલ્લામાં મોટી રેલ દુર્ઘટના ટળી હતી. એક જ ટ્રેક પર બે માલગાડી ટકરાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાંથી એક માલગાડીનું એન્જિન તો ટ્રેક પરથી ઉતરી ગયું હતું. ઘટનામાં ગાડી ચાલક અને સહચાલક ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે.
ઘટના કેવી રીતે બની.. શું કારણ હતું. બંને માલગાડી કયા કારણોસર ટકરાઇ તે જાણવા માટે રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટના ફતેહપુર જિલ્લાના ખાગા કોતવાલી પાસે પાંભીપુર પાસે થઇ છે.
કેવી રીતે થયો અકસ્માત ?
મળતી માહિતી મુજબ આ અકસ્માત જિલ્લાના ખાગા કોતવાલી હેઠળના પમ્ભીપુર નજીક થયો હતો. કાનપુર-ફતેહપુર વચ્ચે ખાગામાં પમ્ભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ટ્રેક પર લાલ સિગ્નલ હોવાને કારણે કોલસાથી ભરેલી માલગાડી ઉભી રહી હતી. મંગળવારે સવારે 8 વાગ્યે પાછળથી તેજ ગતિએ આવતી એક માલગાડીએ અચાનક સામે ઉભેલા વાહનને ટક્કર મારી દીધી. અકસ્માત પછી, કોલસો ટ્રેક પર વેરવિખેર થઈ ગયો હતો. આગળ ઉભેલી માલગાડીનું એન્જિન અને ગાર્ડનો ડબ્બો પાટા પરથી નીચે પડી ગયો. આ અકસ્માતમાં બંને ટ્રેનોના લોકો પાઇલટ્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ફ્રેઇટ કોરિડોર પર ટ્રાફિક પ્રભાવિત
માહિતી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને ટ્રેનોના લોકો પાઇલટ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતને કારણે ફ્રેઇટ કોરિડોર પર રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. ઘણી માલગાડીઓ રોકી દેવામાં આવી છે. કેટલાકના રૂટ બદલવામાં આવ્યા છે. રેલ્વે પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.









