ઉત્તરપ્રદેશ પોલીસની કામગીરીની આજે ચોમેર પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે પોલીસની પ્રશંસા ઓછી અને ટિકા આલોચના વધુ થતી હોય છે. પરંતુ આજે એક તસવીર સામે આવી છે જે બતાવે છે કે પોલીસમાં કામ કરનાર લોકો નિષ્ઠુર નથી હોતા. તેમની 'ખાખી વર્દી કે પીછે દિલ ધડકતા હૈ'. ગુનેગારોને પકડનાર પોલીસ ફક્ત ખાખી વર્દી પહેરી કાયદાનું કામ કરતી નથી પરંતુ માનવસેવા પણ કરે છે. ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાની પોલીસે સાબિત કર્યું કે કાનૂન સેવા ઉપરાંત સમાજસેવાની કામગીરીમાં પણ પીછેહઠ કરતી નથી.


તસવીર થઈ વાયરલ

સોશિયલ મીડિયામાં આજે એક તસવીર વાયરલ થઈ છે. જેને 6 મિનિટની અંદર 6,256 likes મળ્યા છે. આટલા ટૂંકાગાળામાં યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવેલ આ એક લગ્નનની તસવીર છે. આ તસવીરમાં દુલ્હા-દુલ્હનની સાથે પોલીસ ઉભી છે. એક તસવીરમાં દુલ્હા-દુલ્હનને પોલીસ આર્શીવાદ આપી રહી છે અને બીજી તસવીરમાં દુલ્હન જ્યારે લગ્નમંડપમાં આવતી હોય છે ત્યારે પોલીસ તેની સાથે છે. આ તસવીરમાં જે પોલીસ દેખાય છે તે ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાની છે. તસવીર જોનાર તમામને મનમાં પહેલી નજરે એક જ સવાલ થાય કે આખરે લગ્નમાં મહેમાનો અને કુટુંબીજનોના બદલે કેમ આટલી બધી પોલીસ છે.

લગ્ન પહેલા યુવતીના ભાઈની હત્યા

આ તસવીરની તમને વાસ્તવિક હકીકત જણાવીએ. આ બાબત જાણ્યા બાદ તમે પણ તમારા મુખેથી પોલીસ માટે વાહ..વાહ.. જેવા શબ્દો નીકળી જશે. વાત છે ગોંડા જિલ્લાની જયાં પોલીસ ગત રાતે એક લગ્નનો હિસ્સો બની હતી. ગોંડા જિલ્લામાં ગત રાત્રિએ યુપી પોલીસના એસપી અધિકારી, એસટીએફના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટથી લઈને હવાલદાર તેમાં સામેલ થયા હતા. જે યુવતીના લગ્ન હતા તેના ભાઈની હત્યા દોઢ મહિના પહેલા કરવામાં આવી હતી.

પોલીસે યુવતીના લગ્નનો ખર્ચ ઉપાડયો

યુવતીના ભાઈની ડોઢ મહિના પહેલા લૂંટારુઓએ હત્યા કર્યા બાદ જે યુવક સાથે તેના લગ્ન થવાના હતા તેમણે વિવાહની ના પાડી દીધી. જ્યારે ગોંડા પોલીસને આ બાબતની જાણ થઈ ત્યારે પોલીસે યુવતીના લગ્નનનું બીડુ ઝડપ્યું. અને યુવકના પરિવારને લગ્ન કરવા સમજાવ્યો. જેના બાદ ગતરોજ યુવતીના લગ્ન થયા. આ યુવતીના લગ્નનો તમામ ખર્ચ એસટીએફ ચીફ અમિતાભ યશે ઉપાડ્યો. અને ગોંડા જિલ્લાના પોલીસસેવામાં ફરજ બજાવતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓ યુવતીના ભાઈ અને બહેન બની લગ્નની તમામ વિધિમાં સામેલ થયા.

  • Follow us on: