• રાજ્યમાં મુસ્લિમોની 24થી વધુ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળે છે

  • રાજ્ય સરકાર તપાસ કરાવશે કે મુસ્લિમોને કયા આધાર પર અનામત અપાય છે?
  • બંધારણના અનામતના આધાર પર ઉત્તરપ્રદેશમાં 27 ટકા ઓબીસી અનામત અપાય છે

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ઓબીસી અનામતની સમીક્ષા માટે વિચારણા કરી રહી છે. રાજ્ય સરકાર ઓબીસી અનામત હેઠળ મુસ્લિમોને મળતી અનામતના આધારની તપાસ કરાવે તેવી પણ ચર્ચા છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે શનિવારે થનારા મતદાન પૂર્વે આ મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની 24થી વધુ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળે છે. યોગી આદિત્યનાથ સરકારે ધર્મના આધારે અનામત મુદ્દે તાજેતરમાં ઘણા નિવેદન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ધર્મના આધારે અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરતા રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકાર તપાસ કરાવશે કે મુસ્લિમોને કયા આધાર પર અનામત અપાય છે? બંધારણમાં ધાર્મિક આધાર પર અનામત ન આપવા જણાવેલું છે એ જોતાં જો મુસ્લિમોને આર્થિક આધાર પર અનામત અપાઇ રહી હોય તો તે હિન્દુ સમાજના સામાન્ય વર્ગના ગરીબોને મળતી અનામત આધારે હોવી જોઇએ. મુસ્લિમોને ઓબીસી અનામત હેઠળ નહીં રાખવાની વાતો કહેવાઇ રહી છે. બંધારણના અનામતના આધાર પર ઉત્તરપ્રદેશમાં 27 ટકા ઓબીસી અનામત અપાય છે. આ અનામતનો મુસ્લિમોની 24થી વધુ જ્ઞાતિઓને લાભ મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં રાજ્ય સરકારના અધિકારીઓને માલૂમ પડયું કે સપા સરકાર દરમિયાન મુસ્લિમોની 24થી વધુ જ્ઞાતિઓને ઓબીસી અનામત હેઠળ લવાઇ હતી. જોકે તેમને કયા આધારે અનામત અપાઇ તેનો કોઇ ઉલ્લેખ નથી. ભાજપનો દાવો છે કે આ નિયમ વિરુદ્ધ છે. તપાસ પૂરી થયા બાદ જરૂરી પગલાં લેવાશે. યુપી ઓબીસી પંચ આ મામલે જરૂરી માહિતી એકઠી કરી રહ્યું છે. મુસ્લિમોને ઓબીસી અનામત આપવાના આદેશથી માંડીને અત્યાર સુધી આ અનામતનો લાભ મેળવનારાઓ અંગેની માહિતી એકઠી કરાશે. આ માહિતી મુખ્યપ્રધાન સમક્ષ રજૂ કરાશે. ત્યાર બાદ બેઠકો થશે, જેમાં મુસ્લિમોને ઓબીસી અનામત હેઠળ અપાતા અને અપાયેલા લાભો બાબતે મોટો નિર્ણય લેવાઇ શકે છે.


  • Follow us on: