- ઉત્તરાખંડમાં કુદરતનો કહેર
- લેન્ડસ્લાઇડ અને ભારે વરસાદને કારણે યાત્રીઓ ફસાયા
- સેના સંભાળી રહી છે મોરચો
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની છે. કેદારનાથ ધામ અને પગપાળા જવાના માર્ગો પર તીર્થયાત્રીઓ ફસાયા છે. લેન્ડ સ્લાઇડ થવાને કારણે રસ્તાઓ બધા બંધ થઇ ગયા છે.છેલ્લા 3-4 દિવસથી રેસક્યુની કામગીરી ચાલી રહી છે. જો કે હજી પણ 1000 તીર્થયાત્રીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.
સેનાએ સંભાળી કમાન
કેદારનાથ ધામ યાત્રા રૂટ પર ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવા માટે સરકારી વહીવટીતંત્ર સતત ખંતપૂર્વક કામ કરી રહ્યું છે. હવે બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. કર્નલ હિતેશ વશિષ્ઠના નેતૃત્વ હેઠળ જિલ્લામાં તૈનાત 6 ગ્રેનેડીયર યુનિટ રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા અને પુલ બનાવવા ઉપરાંત સર્ચ ઓપરેશનમાં મદદ કરશે. પ્રાથમિકતાના આધારે સૌપ્રથમ સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે ધોવાઈ ગયેલા માર્ગ પર ફૂટ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવાર, પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અશોક ભદાને તેની દેખરેખ રાખી રહ્યા છે.
પ્રતિકૂળ હવામાનને કારણે વાયુસેનાને પણ મુશ્કેલી
પ્રતિકૂળ હવામાનના કારણે વાયુસેનાના કાર્ગો હેલિકોપ્ટર ચિનૂક અને Mi-17 શનિવારે ઉડાન ભરી શક્યા ન હતા. નાના હેલિકોપ્ટર દ્વારા ભીમ્બલી, ચીરવાસા અને લિંચોલી ખાતે ફસાયેલા 1,000 શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. 600 લોકોને NDRF, SDRF અને મંદિર સમિતિની ટીમો દ્વારા કેદારનાથ ગઢધામ સુધીના મુશ્કેલ વૈકલ્પિક માર્ગો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, અન્ય 400 લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
1000 શ્રદ્ધાળુઓ ફસાયેલા
અત્યાર સુધીમાં 9,099 શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 1000 શ્રદ્ધાળુઓ હજુ પણ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અને અશોક ભદાનેના જણાવ્યા અનુસાર, બચાવી લેવામાં આવેલા યાત્રાળુઓમાં મોટી સંખ્યામાં એવા લોકો પણ સામેલ છે જેઓ અત્યાર સુધી તેમના સંબંધીઓનો સંપર્ક કરી શક્યા ન હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમનના જણાવ્યા અનુસાર બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.









