ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દર્શન કરવા આવેલ એક NRI વ્યક્તિ અલકનંદા નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ વ્યક્તિ મલેશિયાથી પિતા સાથે બદ્રીનાથ ધામ આવ્યો હતો. જોકે, SDRFએ તેના પિતાને બચાવી લીધા હતા. હાલ NRIની શોધ ચાલી રહી છે.


અલકનંદા નદીના જોરદાર પ્રવાહમાં NRI તણાયો

ઉત્તરાખંડની ચમોલી પોલીસે જણાવ્યું કે, 40 વર્ષીય NRI જે મલેશિયાથી તેના પિતા સાથે બદ્રીનાથ મંદિરમાં પૂજા કરવા આવ્યો હતો. તે મંગળવારે અલકનંદા નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ અકસ્માત બદ્રીનાથ ધામના ગાંધી ઘાટ પર થયો હતો.

NRIના પિતાને SDRF ટીમે બચાવી લીધા

NRIના પિતાની ઓળખ સુરેશ ચંદ્ર તરીકે થઈ હતી, જેને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનોએ બચાવી લીધા હતા. તે પણ અલકનંદા નદીના પ્રવાહમાં તણાયા હતા. તેમને નજીકની વિવેકાનંદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેશ ચંદ્રના NRI પુત્ર બલરાજ સેઠીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

મલેશિયાથી પરિવાર ચારધામની યાત્રા માટે ભારત આવ્યો હતો

મળતી માહિતી મુજબ મલેશિયાથી પિતા-પુત્ર તેમના પરિવારના અન્ય ચાર સભ્યો સાથે 14 સપ્ટેમ્બરે ચારધામની યાત્રા માટે ભારત આવ્યા હતા. તેઓ મંગળવારે મંદિરોના દર્શન કરવા બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન બલરાજ સેઠી અલકનંદા નદીમાં તણાઈ ગયો હતો.

યમુનોત્રી ધામમાં બે મૃત્યુ પામ્યા

ઉત્તરાખંડના યમુનોત્રી ધામથી પરત ફરી રહેલા બે તીર્થયાત્રીઓની તબિયત બગડતાં મૃત્યુ પામ્યા હતા. સોમવારે સવારે યમુનોત્રી મંદિરમાં દર્શન કર્યા બાદ એક યાત્રી જાનકીચટ્ટી પાર્કિંગ પાસે બેભાન થઈને પડી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકની ઓળખ ભીલવાડા (રાજસ્થાન)ના રહેવાસી કૈલાશ ચંદ્ર આસાવા તરીકે થઈ છે.

આ પહેલા રવિવારે મોડી રાત્રે જાનકીચટ્ટીમાં અન્ય એક યાત્રાળુની તબિયત લથડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ આંધ્રપ્રદેશના 64 વર્ષીય શ્રીનિવાસ કુચીમોટલા તરીકે થઈ છે.

  • Follow us on: