- ઉત્તરાખંડમાં આભ ફાટ્યાના સમાચાર
- મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો
- SDRF હેલિકોપ્ટર દ્વારા લોકો રસેક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કેદારનાથ વિસ્તારમાં આભ ફાટવાના અહેવાલ છે. મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર વધી ગયું છે. નદીના જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ માહિતી બાદ SDRFને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
કેદારનાથ માર્ગ પર એક વિશાળ પથ્થર આવવાને કારણે રેલિંગ અને રોડને નુકસાન થયું છે. સુરક્ષાના કારણોસર મુસાફરોને હાલ સલામત સ્થળે રોકી દેવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન અને SDRFની ટીમ ફુલ એલર્ટ મોડ પર છે. કેદારનાથમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે SDRF હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવી રહી છે અને તેમને રાહત શિબિરો અને હોસ્પિટલોમાં લઈ જઈ રહી છે.
પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે કેદારનાથ ફૂટપાથ પર ભારે વરસાદ પડી રહ્યો છે. ભીમ્બલી-જંગલચટ્ટી વચ્ચે ભૂસ્ખલન થયું હોવાનું જાણવા મળ્યું છે. વીજળી અને કનેક્ટિવિટીના અભાવે સંપૂર્ણ માહિતી મળી શકી નથી. ભીંબલી ખાતે 250 મુસાફરોને રોકવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર યાત્રાના રૂટ પર પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "ગત રાત્રે આભ ફાટવા અને ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. અનેક લોકોના મોત થયા છે. પુલને મોટું નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે જે લોકો આપત્તિ શિબિરમાં છે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે... પુનઃસ્થાપન કાર્ય ઝડપથી કરવામાં આવશે. અમે હવામાન વિભાગની આગાહી મુજબ ચારધામ યાત્રા કરવા જણાવ્યું છે... કેદારનાથ માર્ગ પર ગઈકાલે જ્યાં 2 પુલ ધોવાઈ ગયા હતા ત્યાં NDRF અને SDRF પહોંચી ગયા છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે."









