- કુદરતના કહેરથી વાયનાડમાં તબાહીના નિશાન જોવા મળ્યા
- કેરળ-ઉત્તરાખંડમાં આજે પણ ભારેથી અતી ભારે વરસાદની ચેતવણી
- ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 146 પર પહોંચી ગયો છે
કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વાયનાડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 146 પર પહોંચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 250થી વધુ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા અનેક લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવાર, 31 જુલાઈએ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી છે.
11 જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે
પરિસ્થિતિને જોતા કેરળના 11 જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વાયનાડ, મલપ્પુરમ, કોઝિકોડ, કસરાગોડ, ઇડુક્કી, પથિનમથિટ્ટા, થ્રિસુર, કન્નુર, એર્નાકુલમ, અલપ્પુઝા અને પલક્કડ આ તમામ જિલ્લામાં આજે શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
CMએ દરેકને મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી
કુદરતના કહેરથી કેરળના વાયનાડ જિલ્લામાં વિનાશના નિશાન પડી ગયા છે. રાજ્યના CM પિનરાઈ વિજયને મંગળવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને આ મુશ્કેલ સમયમાં આજીવિકાનું પુનઃનિર્માણ કરવા માટે એકસાથે આવવા વિનંતી કરી, CM વિજયને જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને પુનઃનિર્માણ કરવા માટે વધુ સમય લાગી શકે છે. CMએ દરેકને મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં યોગદાન આપવા વિનંતી કરી.
પોથુકલ ગામમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળી આવ્યા
અચાનક આફત આવી તૂટી પડી હતી CMએ એમ પણ કહ્યું કે પડોશી મલપ્પુરમ જિલ્લાના પોથુકલ ગામમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળી આવ્યા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્ય વાયનાડ ભૂસ્ખલનમાં જાન અને સંપત્તિના દુ:ખદ નુકસાન પર બે દિવસનો સત્તાવાર શોક મનાવશે. આ સમયગાળા દરમિયાન, જાહેર કાર્યક્રમો અને સમારંભો આયોજિત કરવામાં આવશે નહીં અને રાષ્ટ્રધ્વજ અડઘી કાઠીએ લહેરાશે. સોમવાર સુધી, તેમની સુંદરતા માટે પ્રખ્યાત મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં તબાહીએ વિનાશ વેર્યો છે.
ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ
ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. આગામી 24 કલાકમાં રાજધાની દેહરાદૂન સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે દેહરાદૂન, ટિહરી, નૈનીતાલમાં તમામ સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને ધોરણ 12 સુધી બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. IMD અનુસાર, બુધવાર, 31 જુલાઈએ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.









