• ઉત્તરાખંડમાં વાતાવરણમાં જબરદસ્ત પલટો
  • ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડી
  • 200થી વધારે રોડ રસ્તા બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ કથળી છે. ભેખડો ધસી પડવાને કારણે નેશનલ હાઇવે સહિત રોડ રસ્તા બંધ થઇ ગયા છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડના 9 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અહીં વરસાદનું રેડ એલર્ટ
ઉત્તરાખંડના 9 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને કારણે દેહરાદૂન, ઉત્તરકાશી અને હરિદ્વારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે . જ્યારે ચમોલી, રૂદ્રપ્રયાગ અને પૌડીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન કેન્દ્રના ડાયરેક્ટર વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 8મી જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. શનિવારે, ચમોલી, પૌરી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, ઉત્તરકાશીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નદી-નાળા વહ્યા ભયજનક સપાટીએ
ઉત્તરાખંડમાં સતત પડી રહેલા વરસાદને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ જોખમી બની ગયા છે. ઉલ્લેખનીય છે કે ચમોલીના બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચતવાપાની પાસે એક પહાડી પરથી પડેલા પથ્થરની અડફેટે બાઇક સવાર બે તીર્થયાત્રીઓનાં મોત થયાં હતાં. હૈદરાબાદના રહેવાસી નિર્મલ શાહી (36) અને સત્યનારાયણ (50) બદ્રીનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

  • Follow us on: