- આ બસમાં 28 શ્રદ્ધાળુઓ સહિત કુલ 30 લોકો સવાર હતા
- બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી
- સ્ટિયરિંગ ફેલ થવાને કારણે કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત થયો
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દમતા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડતાં 26 લોકોનાં કરૂણ મોત થયાં હતાં. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ માહિતી આપતાં ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ બસમાં 28 શ્રદ્ધાળુઓ સહિત કુલ 30 લોકો સવાર હતા. આ તમામ યાત્રાળુઓ મધ્યપ્રદેશથી ઉત્તરાખંડ તેમની યાત્રાએ આવ્યા હતા. દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે આટલી મોટી દુર્ઘટના કેવી રીતે થઈ, જેણે 26 લોકોના જીવ લીધા.
એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિજનો અને ઘાયલોને સાંત્વના આપી હતી. આ દરમિયાન ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની સાથે હતા. શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, બસનું સ્ટિયરિંગ ફેલ થવાને કારણે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત થયો હતો.
સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રિખાનુ સ્થિત કોતર પાસે આ બસ જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થઈ તે રસ્તો ઘણો પહોળો છે. આવી સ્થિતિમાં અહીં વાહન ખૂબ જ ઝડપે હંકારે છે. તીર્થયાત્રીઓથી ભરેલી આ બસ વધુ ઝડપે હતી. આ દરમિયાન સામેથી આવતા વાહનને પસાર થતાં ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસની સ્પીડ ખૂબ જ વધુ હોવાથી તે રોડ પરથી નીકળીને 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ યાત્રાળુઓ મધ્યપ્રદેશના રહેવાસી હતા. ઘટનાના સમાચાર મળતાની સાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉત્તરાખંડ પહોંચી ગયા છે અને ઘાયલોની મદદ કરવામાં લાગેલા છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે જ સમયે, ઉત્તરાખંડ પરિવહન વિભાગના અકસ્માત રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને એક લાખનું વળતર આપવામાં આવશે.