ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી બિહારની રાજધાની પટણા જતી વંદે ભારત એક્સપ્રેસ નંબર-22346 પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વારાણસીના આસપાસ બુધવારે રાત્રે બની હતી. રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બુધવારે રાત્રે આશરે 8.15 વાગ્યાને સુમારે આરોપીએ પથ્થમારી ટ્રેનના સી-5 કોચની બારીના કાચને નુકસાન પહોંચાડયું હતું.

ભારતીય રેલવેએ આપેલી જાણકારી પ્રમાણે વંદે ભારત ટ્રેન નંબર-22346 ઉપર પથ્થરમારો થયો છે. ટ્રેન લખનઉથી પટણા જઈ રહી હતી. બનારસ અને કાશની વચ્ચે રસ્તામાં કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પથ્થરમારાની ઘટના ગત રાત્રે 8.15 વાગ્યે થઈ. જાણકારી સામે આવતા રેલવે પોલીસ ફોર્સે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

કાશીના રેલવે પોલીસ ફોર્સના કાફલાએ વંદે ભારત ટ્રેન પર થયેલા પથ્થરમારાની ઘટનાસ્થળે જઈ તાબડતોબ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જો કે બાદમાં આરોપીની કોઈ જાણકારી ન મળતા આરોપી સામે રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આની તપાસ આરપીએફના તપાસ અધિકારી એસપીને સોંપાઈ છે. લોકલ ઈનપુટ અને અન્ય માહિતીઓ આ કેસમાં એકઠી કરવામાં આવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલા કેમેરાની તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.

અગાઉ પણ વંદેભારત પર પથ્થરમારાની ઘટના બની

આ પ્રથમવાર નથી બન્યું કે જ્યારે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોય. આની પહેલા પણ ઘણા શહેરોમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવ્યા છે. ગત દિવસોમાં જુલાઈમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થર ફેંક્યા હતા. આમાં ટ્રેનની ઘણી બારીઓના કાચ તૂટયા હતા. પથ્થરો લાગવાથી ટ્રેનના બે કોચ અને એક સ્પેશિયલ કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક ટ્રેન પર પથ્થરમારો થતા પ્રવાસીઓ ગભરાઈ ગયા અને કોચની અંદર નાસભાગ તેમજ ડરનો માહોલ બન્યો હતો. જો કે, આમાં કોઈપણ યાત્રિકોને ઈજા નહોતી થઈ.

આની પહેલા ગુજરાત, બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તેમજ તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં જ્યારે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ થયો છે ત્યારે આવી ઘટનાઓ સામે આવી ગઈ છે. આ કેસોમાં ઘણા રાજયોમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. જ્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

  • Follow us on: