યુપીના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી ભક્તો આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. જેને લઇને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આવતી કાલે અમૃત સ્નાનને લઇને આજથી જ નો વ્હિકલ ઝોન જાહેર કરાયો છે. કોઇ અગવડતા ન પડે તે માટેની પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મહાકુંભની સાથે સાથે કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં પણ ભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી રહી છે.
કાશીમાં ભારે ભીડ
વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન માટે મોટી ભીડ ઉમટી પડી છે. આવી સ્થિતિમાં અહીંની સાંકડી ગલીઓમાં ભીડને નિયંત્રણમાં રાખવી એક મોટો પડકાર બની ગયો છે. એક તરફ લોકો દર્શન માટે કતારમાં ઉભા જોવા મળે છે, તો બીજી તરફ લોકો ગંગા સ્નાન કરીને પાછા ફરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વારાણસીમાં મહાકુંભની ભીડ જોવા મળી રહી છે. આ ભીડ દિવસ જાય તેમ વધી જ રહી છે.
હજી પણ ભીડ વધે તેવી આશંકા
ગદૌલિયા સ્ક્વેરથી દશાશ્વમેઘ ઘાટ સુધીના રસ્તા પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. આજે બપોરે, કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટ તરફ જતા રસ્તા પર, એક તરફ લોકો ગંગા ઘાટ તરફ જઈ રહ્યા હતા જ્યારે બીજી તરફ આખી ભીડ રોકાઈ ગઈ હતી. પોલીસ અને વહીવટીતંત્રને રસ્તો ખુલ્લો કરવામાં ઘણી મુશ્કેલી પડી. આગામી 48 કલાકમાં 50 લાખથી વધુ ભક્તો અહીં પહોંચશે તેવી આશંકા છે. ભીડનું કારણ માઘ પૂર્ણિમા છે, બીજું સંત રવિદાસ જયંતિ છે અને ત્રીજું કારણ છે મહાકુંભ. મંગળવારે બપોર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ ગંગા સ્નાન કર્યું છે અને કાશીની મુલાકાત લીધી હતી.










