- કાશીના કોટવાળ ગણાય છે કાલ ભૈરવ
- શુભ કાર્યો પહેલા કાલ ભૈરવની કરાય છે પૂજા
- પીએમ મોદીએ કાશી કોરિડોરના ઉદ્ઘાટન પહેલા પણ કરી હતી પૂજા
ગંગા કિનારે વસેલુ યુપીનું શહેર એટલે કાશી. કાશી બાર જ્યોતિર્લિંગોમાંનું મુખ્ય છે. અહીના કાશી વિશ્વનાથ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે પણ કાશીમાં કોઇ શુભ કાર્ય કરવાનું હોયતો કાલ ભૈરવની પૂજા તો અવશ્ય કરવામાં આવે છે.પીએમ મોદી પણ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂજા કરવાના છે . વિશ્વનાથ કાશીના રાજા ગણાય છે તો કાલ ભૈરવ ગણાય છે કોટવાળ. ત્યારે જાણીએ આ મંદિરને શું છે ખાસ મહત્વ.
કાશીમાં ચાલે છે કાલભૈરવની મરજી
કાશીમાં એક બહુ જૂની કહેવત છે કે પહેલા કાશી કોટવાલની પૂજા કરો અને પછી કામ કરો. જી હા, એવી ધાર્મિક માન્યતા છે કે આ શહેરમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા 'કાશી કોટવાલ' એટલે કે બાબા કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. એટલા માટે પીએમ મોદી નરેન્દ્ર મોદી પણ 13 ડિસેમ્બર 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા કાલ ભૈરવની પૂજા કરવા પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે કાશી શહેરમાં કાલ ભૈરવની ઈચ્છા પ્રવર્તે છે. ભગવાન શિવની પૂજા કરતા પહેલા પણ અહીં તેમની પૂજા કરવામાં આવે છે.
કાશીના કોટવાળ છે કાલ ભૈરવ
કાશી જેને ભગવાન શંકરની નગરી કહેવામાં આવે છે. એક ધાર્મિક માનતા મુજબ કાશીના રાજા ગણાય છે બાબા વિશ્વનાથ. તો કાશીના કોટવાલ કાલ ભૈરવ ગણાય છે. એવું માનવામાં આવે છે કે ભૈરવ બાબાની સંમતિ વિના આ શહેરમાં કંઈ થતું નથી અને આખા શહેરની સંભાળ તેમના હાથમાં છે. કાશીમાં રહેતા લોકોનું એવું પણ કહેવું છે કે બાબા વિશ્વનાથના મંદિરની પાસે એક પોલીસ સ્ટેશન છે, જેની સુરક્ષા કાલ ભૈરવ પોતે કરે છે. મહાભારત અને ઉપનિષદોમાં પણ તેનો ઉલ્લેખ છે.
કાશીના કોટવાળ કેવી રીતે બન્યા કાલ ભૈરવ
કાશીમાં કાલ ભૈરવના આ મંદિરને લઇને એક પૌરાણિક કથા છે. ધાર્મિક માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે એક વખત ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચર્ચા થઈ કે તેમનામાં મોટું કોણ અને શક્તિશાળી કોણ. આ વિવાદ વચ્ચે ભગવાન શિવની ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન ભગવાન બ્રહ્માના પાંચમા ચહેરાએ ભગવાન શિવની ટીકા કરી હતી. આ સાંભળીને બાબા ભોલેનાથ ખૂબ ગુસ્સે થઇ ગયા હતા. કહેવાય છે કે ભગવાન શિવના આ ક્રોધના કારણે કાલ ભૈરવનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે કાલ ભૈરવને પણ શિવનો અંશ માનવામાં આવે છે.









