પીએમ મોદીએ તેમનાં ત્રીજા કાર્યકાળમાં બીજી વખત વારાણસીની મુલાકાત લીધી હતી તેમણે સૌથી પહેલા આર જે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી સ્પોર્ટસ સ્ટેડિયમ સહિત દેશને રૂ. 6700 કરોડનાં પ્રોજેક્ટની ગિફ્ટ આપી હતી. મોદીએ તેમનાં સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે પાંચ રાજ્યોમાં 7 એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે અમે જે કહીએ છીએ તે ડંકે કી ચોટ પર કરી બતાવીએ છીએ. તેમણે કહ્યું કે રામ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી હવે લોકોને રામમંદિર મળી ગયું છે. અમારી સરકાર કોઈ પ્રત્યે ભેદભાવ રાખતી નથી. અમે કહ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે. આજે ત્યાં મંદિર બની ગયું છે અને લાખો લોકો રામલલાનાં દર્શન કરી રહ્યા છે. મહિલાઓ માટે અનામત અને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી મુક્ત કરી છે. ગરીબોને 10 ટકા અનામત આપ્યું છે. હરિયાણામાં સતત ત્રીજી વખત અમે સરકાર રચી છે.
પરિવારવાદીએ યુવાનોને નુકસાન કર્યું છે
મોદીએ કોંગ્રેસ, સપા તેમજ બસપાને આડે હાથ લઈને કહ્યું હતું કે, પરિવારવાદીઓએ યુવાનોને નુકસાન પહોંચાડયું છે. અમે જેમને પરિવાર સાથે સંબંધ ન હોય તેવા 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવીશું. દેશનાં અને કાશીનાં યુવાનો આ માટે આગળ આવે. કાશી માટે રવિવારનો દિવસ શુભ છે. આંખની સારવાર માટે મોટી શંકરા નેત્ર હોસ્પિટલ વૃદ્ધો અને બાળકોને રાહતરૂપ બનશે. અમે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ પાંચ રાજ્યોમાં 7 એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે. વારાણસી આજકાલ આરોગ્ય સેવાઓ માટેનું હબ બન્યું છે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્પોર્ટસ, આરોગ્ય, પર્યટન ક્ષેત્રે વારાણસી આજે ઘણું આગળ વધી ગયું છે. જુદાજુદા ક્ષેત્રે યુવાનોને નોકરીની તકો મળી રહી છે.
10 વર્ષમાં દેશે અનેક નવા ક્ષેત્રમાં વિકાસ કર્યો છે
મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આપણે દેશને બદલતો જોયો છે. ભારતે દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપ્યા છે. દરેક ક્ષેત્રમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર જોવા મળી રહ્યું છે. નવા ભારતનાં નિર્માણમાં કાશી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. હેલ્થ કેર અંગે લોકોનાં વિચારો અને વલણ બદલાયા છે. અનેક લોકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે.