- ફ્લાઇટમાં બોમ્બ હોવાની મળી ધમકી
- પેરિસથી મુંબઇ આવી રહ્યું હતું પ્લેન
- પ્લેનમાં મુસાફરની બેગમાંથી એક ચિઠ્ઠી મળી હતી
છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી ઓ મળી રહી છે. ક્યારે એર ટર્બુલન્સ તો ક્યારેક ધમકીઓને કારણે ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર સામે આવે છે. ત્યારે વધુ એકવાર એક ફ્લાઇટ ઇમરજન્સીમાં લેન્ડ કરાઇ હોવાનું સામે આવ્યું છે.
ફ્લાઇટ તાત્કાલિક અસરથી કરવામાં આવી લેન્ડ
પેરિસથી મુંબઇ આવી રહેલી વિસ્તાર એરલાઇન્સની આ ઘટના છે. જેમાં બોમ્બ હોવાની ધમકી મળતા ગભરાહટ ફેલાઇ હતી.જો કે સમાચાર મળતા જ મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટની અંદર જ રહેવા સૂચના આપી. કોઇ બહાર ન જઇ શકે કે કોઇ અંદર ન આવી શકે. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પોલીસ, સિક્યોરિટી ગાર્ડ, ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ રનવે પર પહોંચી ગઈ હતી
ઇમરજન્સી એક્ઝિટ કરવામાં આવી
મુસાફરોને ઈમરજન્સી ગેટથી ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા. તેઓની તપાસ કરીને સેફ ઝોનમાં લઇ જવાયા.. પ્લેનને પણ આઈસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણે ખૂણેથી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આખા એરપોર્ટ પર પણ સર્ચ ઓપરેશન કડક રીતે હાથ ધરાયું.
મુસાફરની બેગમાં ધમકી લખેલો પત્ર
આ અંગે વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે 2 જૂન, 2024ના રોજ સવારે વિસ્તારાની ફ્લાઈટ UK 024 પેરિસથી મુંબઈ આવી રહી હતી. ફ્લાઇટમાં 294 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. તેણે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરને તેની બેગમાંથી એક નોટ મળી, જેના પર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો સંદેશ લખવામાં આવ્યો હતો.
સર્ચ ઓપરેશન તેજ
પેસેન્જરે ક્રૂ મેમ્બર્સને જાણ કરી, જેમણે સંબંધિત અધિકારીઓને જાણ કરીને પ્રોટોકોલનું પાલન કર્યું. સવારે 10:08 વાગ્યે આ ખતરાની જાણ કરવામાં આવી હતી અને વિમાન સવારે 10:19 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. હાલ પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. પરંતુ આવુ લખાણ કોણે લખ્યુ, કોણે પેસેન્જરની બેગમાં લખાણ મુક્યુ હશે તેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.